કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની 1,532 બોટલ મળી; પોરબંદર અને દ્વારકાના બે શખ્સો ઝડપાયા, અન્ય આરોપીઓની શોધખોળ
રાજકોટ-ભાવનગર હાઈવે પર આટકોટ નજીક દારૂ ભરેલી ક્રેટા કારને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે કાર પૂરપાટ ઝડપે હંકારી મૂકી હતી. જોકે, રાજકોટ રેન્જ આઈજીની ટીમે ફિલ્મી ઢબે પીછો કરીને આટકોટ ગામમાં અક્ષર ભુવન મકાન પાસેથી કાર ઝડપી લીધી હતી. કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની 1,532 બોટલ મળી આવતાં પોલીસે બે શખ્સોને અટકાયતમાં લીધા હતા. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ સહિત કુલ ₹18,54,480નો મુદ્દામાલ કબજે કર્યો છે.
બાતમીના આધારે આટકોટ બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી
રાજકોટ રેન્જ હેઠળના જિલ્લાઓમાં દારૂ અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી કરવા રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયની સૂચનાના આધારે કામગીરી હાથ ધરવામાં આવી હતી. રેન્જ આઈજી ટીમના પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.સી. મિયાત્રા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી.
દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કાળા રંગની હ્યુન્ડાઈ ક્રેટા કાર નંબર GJ-10-EM-0945માં દારૂનો જથ્થો ભરી રાજકોટ-ભાવનગર હાઈવે પરથી પસાર થવાનો છે. આ બાતમીના આધારે પોલીસે બપોરે આશરે 3:30 વાગ્યે આટકોટ બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી.
પોલીસને જોઈ કાર ભગાવી, પીછો કરીને ઝડપી
બાતમીવાળી કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચાલકે પોલીસને જોઈ કારની ગતિ વધારી આટકોટ ગામમાં કામધેનુ ગૌશાળા તરફ હંકારી મૂકી હતી. પોલીસની ટીમે કારનો પીછો ચાલુ રાખ્યો હતો અને અંતે ગામમાં અક્ષર ભુવન મકાન પાસેથી કારને ઝડપી લીધી હતી.
પોલીસે કારમાંથી રાજુ અરજણભાઈ હુણ (ઉંમર 26, રહે. બોખીરા વિસ્તાર, પોરબંદર) અને તેની સાથે બેઠેલા ખીમા ઉર્ફે કકન બધાભાઈ હુણ (ઉંમર 30, રહે. રાણપર ગામ, ભાણવડ, દેવભૂમિ દ્વારકા)ને અટકાયતમાં લીધા હતા.
₹3.39 લાખનો દારૂ, કાર અને મોબાઈલ કબજે
કારની તલાશી દરમિયાન અલગ-અલગ બ્રાન્ડની દારૂની કુલ 1,532 બોટલ મળી આવી હતી. આ દારૂની કિંમત ₹3,39,480 હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે દારૂ ઉપરાંત ક્રેટા કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹18,54,480નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ચોટીલાથી દારૂ ભરી જેતપુર પહોંચાડવાનો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઝડપાયેલા બંને શખ્સોએ દારૂનો જથ્થો વિજય ભાઈજી જોશી (હાલ રહે. શાપર, રાજકોટ; મૂળ રહે. રાણપર ગામ, ભાણવડ)ના કહેવાથી ચોટીલાના ફુલજર ગામે રામકુ વીકમા પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હતું. આ જથ્થો જેતપુર ખાતે વિજય જોશી કહે તે વ્યક્તિને પહોંચાડવા તેઓ જઈ રહ્યા હોવાનો ખુલાસો કર્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.
સપ્લાયર સહિત અન્ય શખ્સોની શોધખોળ
આ કાર્યવાહી બાદ રાજકોટ રેન્જ આઈજીની ટીમે ચોટીલાના ફુલજર ગામના કથિત સપ્લાયર રામકુ વીકમા, વિજય જોશી અને જેતપુરના અન્ય એક કથિત બુટલેગરની શોધખોળ શરૂ કરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની ડિલિવરી કોને કરવાની હતી તે સહિતની બાબતો અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.










