મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને મળશે નવી ઓળખ; આધુનિક સુવિધાઓ સાથે વારસા અને ટેક્નોલોજીનો અનોખો સમન્વય
વડોદરા: દેશના પ્રથમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. આ વચ્ચે વડોદરામાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનનું અનોખું આર્કિટેક્ચર સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. શહેરની ઓળખ સમાન વટવૃક્ષ (Banyan Tree) પરથી પ્રેરિત આ સ્ટેશન આધુનિકતા અને સાંસ્કૃતિક વારસાનું અનોખું પ્રતિક બનશે.
આ સ્ટેશન આશરે 1.77 લાખ ચોરસ ફૂટ (16,467 ચોરસ મીટર) વિસ્તારમાં તૈયાર થઈ રહ્યું છે. તેમાં બે આઇલેન્ડ પ્લેટફોર્મ અને ચાર ટ્રેકની સુવિધા હશે, જ્યારે ત્રણ માળના સ્ટેશનની કુલ ઊંચાઈ 34.5 મીટર રહેશે.
સ્ટેશનની બાહ્ય ડિઝાઇન અને છત વટવૃક્ષના પાંદડા અને તેની રચનાથી પ્રેરિત છે. આંતરિક ભાગમાં વડોદરાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરવામાં આવશે. સાથે જ કુદરતી પ્રકાશનો મહત્તમ ઉપયોગ થાય તે રીતે ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે, જેથી ઊર્જાની બચત પણ થશે.
સ્ટેશન પંડ્યા બ્રિજ નજીક અને હાલના વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-7ની ઉપર નિર્માણ પામી રહ્યું છે. આથી મુસાફરોને બુલેટ ટ્રેન અને ભારતીય રેલવે વચ્ચે સરળ અને સીમલેસ ઇન્ટરચેન્જની સુવિધા મળશે.
મુસાફરોને વિશ્વસ્તરીય અનુભવ આપવા માટે સ્ટેશનમાં વિશાળ વેઇટિંગ હોલ, બિઝનેસ ક્લાસ લાઉન્જ, બેબી કેર રૂમ, આરામગૃહ, સુલભ શૌચાલય, બ્રાન્ડેડ સ્ટોર્સ, કેફે અને ફૂડ કોર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. ઉપરાંત, પદયાત્રી પ્લાઝા, અલગ પાર્કિંગ ઝોન અને પિક-અપ-ડ્રોપ લેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
વડોદરાનું આ અત્યાધુનિક બુલેટ ટ્રેન સ્ટેશન માત્ર પરિવહનનું કેન્દ્ર નહીં, પરંતુ શહેરની નવી ઓળખ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતિક બનશે.










