ઘીથી માવા-પનીર અને મસાલા સુધી નકલી સામાનનો ભરાવો, રસોડાનો સ્વાદ જ નહીં સ્વાસ્થ્ય પણ જોખમમાં
તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં અમદાવાદમાં ભેળસેળિયા ખાદ્યપદાર્થો સામે હાથ ધરાયેલી કાર્યવાહી ચોંકાવનારી હકીકત સામે લાવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની વિશેષ ઝુંબેશ દરમિયાન છેલ્લા પાંચ મહિનામાં શહેરમાંથી અંદાજે 8.5 ટન ભેળસેળિયું અને શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે.
રક્ષાબંધન, જન્માષ્ટમી અને દિવાળી જેવા તહેવારો દરમિયાન ઘી, માવો, પનીર અને મીઠાઈની માંગમાં મોટો વધારો થાય છે. આ જ સમયગાળામાં નકલી અને હલકી ગુણવત્તાવાળા ખાદ્યપદાર્થોનો ઉપયોગ થતો હોવાનું સામે આવતાં લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
= પાંચ મહિનામાં 23 ટન શંકાસ્પદ ખાદ્યપદાર્થો જપ્ત
AMCના આરોગ્ય વિભાગ દ્વારા પાંચ મહિનામાં કુલ 23 ટન જેટલો શંકાસ્પદ, નકલી અને સબ-સ્ટાન્ડર્ડ ખાદ્ય સામાન ઝડપી પાડવામાં આવ્યો છે. તેમાં ઘી ઉપરાંત માવો, પનીર, મેંદો, ખાંડ, મરી-મસાલા, કપાસિયા તેલ, ચૂનો અને નકલી પેકેજ્ડ નાસ્તાનો સમાવેશ થાય છે.
આટલી મોટી માત્રામાં ભેળસેળિયું સામાન પકડાવવું તહેવારોની ખરીદી કરતા ગ્રાહકો માટે ચેતવણી સમાન છે.
= 6 ટન લોટ-ખાંડ, 700 કિલો નકલી માવો
તપાસ દરમિયાન અંદાજે 6,000 કિલો નકલી અને નબળી ગુણવત્તાવાળો લોટ તથા ખાંડ જપ્ત કરવામાં આવ્યો છે. આ બંને વસ્તુઓનો રોજિંદા ખોરાકમાં વ્યાપક ઉપયોગ થતો હોવાથી મામલો વધુ ગંભીર બને છે.
મીઠાઈઓમાં મોટા પ્રમાણમાં વપરાતા 700 કિલો જેટલા નકલી માવાનો જથ્થો પણ ઝડપાયો છે. તહેવારો દરમિયાન મીઠાઈની વધતી માંગ વચ્ચે આવા માવાનો ઉપયોગ ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.
= 2 ટન નકલી પનીરનો પર્દાફાશ
પનીરમાં પણ મોટા પાયે ભેળસેળ થતી હોવાનો પર્દાફાશ થયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 2 ટન નકલી પનીર ઝડપાયું છે.
કાંકરિયા વિસ્તારમાં કરાયેલી એક જ કાર્યવાહી દરમિયાન આશરે 450 કિલો બિનઆરોગ્યપ્રદ પનીરનો જથ્થો પકડાયો હોવાનું સામે આવ્યું છે.
= મસાલામાં પણ ભેળસેળનો ખેલ
ગુજરાતી રસોડામાં રોજબરોજ વપરાતા મરી-મસાલા પણ ભેળસેળથી બાકાત રહ્યા નથી. તપાસ ટીમોએ અંદાજે 2.5 ટન મિશ્રિત, કેમિકલયુક્ત અને શંકાસ્પદ મસાલાનો જથ્થો જપ્ત કરીને તેના નિકાલની કાર્યવાહી હાથ ધરી છે.
= 500 કિલો કપાસિયા તેલ પણ જપ્ત
પૂરી, ફરસાણ અને અન્ય તળેલી વાનગીઓ માટે વપરાતા કપાસિયા તેલમાં પણ શંકાસ્પદ ગુણવત્તાનો જથ્થો ઝડપાયો છે. કાર્યવાહી દરમિયાન અંદાજે 500 કિલો કપાસિયા તેલ જપ્ત કરવામાં આવ્યું છે.
= બાળકોના નાસ્તા પણ ભેળસેળિયાઓની નજરથી બચ્યા નહીં
ભેળસેળનો વ્યાપ માત્ર મીઠાઈ અને રસોડાની વસ્તુઓ પૂરતો મર્યાદિત નથી. બાળકોમાં લોકપ્રિય એવા ચમકદાર પેકિંગવાળા નકલી પેકેજ્ડ નાસ્તા પણ કાર્યવાહી દરમિયાન ઝડપાયા છે. પાન-મસાલામાં ઉપયોગમાં લેવાતા ચૂનાના જથ્થા સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે ભેળસેળિયા તત્વો માત્ર તહેવારોમાં મીઠાઈ ખરીદતા ગ્રાહકોને જ નહીં, પરંતુ બાળકો, મહિલાઓ અને વડીલો સહિત તમામ વર્ગના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.
તહેવારોના ઉત્સાહ વચ્ચે મીઠાઈ, ઘી, માવો, પનીર અને ફરસાણ ખરીદતી વખતે ગ્રાહકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. કારણ કે નફાખોરી માટે થતી ભેળસેળનો સૌથી મોટો ભોગ અંતે સામાન્ય ગ્રાહકનું સ્વાસ્થ્ય જ બને છે.










