અમિત શાહ કાલે અમરેલીમાં : ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ કરશે, 2 કિ.મી. વિસ્તારમાં નો-ફ્લાય ઝોન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ નજીક હેતની હવેલી પાસે ગાગડીયો નદીના કાંઠે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત ‘ગુજરાત ગૌરવ સરોવર’નું આવતીકાલે તા. 27 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. કાર્યક્રમને લઈને દુધાળા સહિત સમગ્ર લાઠી પંથકમાં ઉત્સાહનો માહોલ છે અને અમિત શાહના સ્વાગત માટે સર્વ સમાજ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાના માર્ગદર્શન હેઠળ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ગાગડીયો નદી પર જળસંચય અને જળસંવર્ધનના હેતુથી આ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આશરે 80 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલા સરોવરમાં અંદાજે 23 કરોડ લિટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે. આશરે રૂ.4 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ સરોવર આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે જળસંચયનું મહત્વનું કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગાગડીયો નદી પર જળસંવર્ધનનું કાર્ય વર્ષ 2017માં શરૂ કરવામાં આવ્યું હતું. 30 માર્ચ, 2017થી શરૂ થયેલી આ જળક્રાંતિ બાદ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ગાગડીયો નદી અને આસપાસના વિસ્તારોમાં અંદાજે 40 જેટલાં સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ જળસંચયના કામોથી 100થી વધુ ગામોના લોકોને સીધો કે આડકતરો લાભ મળ્યો હોવાનું જણાવાયું છે.

સૌરાષ્ટ્ર જેવા અર્ધશુષ્ક વિસ્તારમાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરીને ભૂગર્ભજળનું સ્તર ઊંચું લાવવાના પ્રયાસો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગુજરાત ગૌરવ સરોવર પણ આ જળસંવર્ધન અભિયાનની મહત્વપૂર્ણ કડી બનશે. સરોવરમાં વરસાદી પાણીનો સંગ્રહ થવાથી આસપાસના વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધતા વધવાની સાથે ભૂગર્ભજળને પણ ફાયદો થવાની અપેક્ષા છે.

અમિત શાહના આગમનને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ સ્થળે સુરક્ષા સહિતની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આગેવાનો, કાર્યકરો અને સર્વ સમાજના લોકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા હોવાથી આયોજકો દ્વારા જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.

અમિત શાહના પ્રવાસને લઈને 2 કિ.મી. વિસ્તારમાં ‘નો-ફ્લાય ઝોન’

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ‘Z+ CRPF’ સુરક્ષા હેઠળ હોવાથી અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે. આ અંતર્ગત 27 ઓગસ્ટના રોજ દુધાળા-હેતની હવેલી ખાતેના કાર્યક્રમ સ્થળની આસપાસના બે કિલોમીટરના વિસ્તારમાં ‘નો-ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે.

જાહેરનામા મુજબ ફુલીબા ક્રિકેટ સ્ટેડિયમના હેલીપેડ, સભા સ્થળ, હેતની હવેલી, બાનું ઘર અને ગુજરાત ગૌરવ સરોવર સહિતના વિસ્તારોની બે કિલોમીટરની ત્રિજ્યામાં સત્તાવાર પરવાનગી વિના ફ્લાઇટ, હેલિકોપ્ટર, ડ્રોન કે અન્ય એરક્રાફ્ટના ઉડ્ડયન અથવા ઉતરાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. નિયમોનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બ્રિજેશ ધોળકિયા, નીતિન સાવલિયા, કનક પટેલ, નરેશ માયાણી સહિતના આગેવાનો અને કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. અમિત શાહના આગમનને લઈને દુધાળા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai