ચોરખાનામાં સંતાડેલો રૂ.10,924નો દારૂ અને કાર મળી કુલ રૂ.35,924નો મુદ્દામાલ કબજે
ઉના: ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન નવાબંદર મરીન પોલીસે ફોર-વ્હીલમાં ચોરખાનું બનાવી તેમાં સંતાડીને ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ, નવાબંદર મરીન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો અને તડ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશ દીવ તરફથી સફેદ રંગની ફોર-વ્હીલ આવવાની બાતમી મળતાં પોલીસે વાહન ચેકિંગ વધુ સઘન બનાવ્યું હતું.
બાતમીના આધારે મારુતિ સુઝુકી ફ્રન્ટી 800 કાર નં. GJ-23-A-7528ને રોકી પોલીસે તેની તલાશી લીધી હતી. તપાસ દરમિયાન કારની ડેકી તથા દરવાજાના ભાગમાં ચોરખાનું બનાવવામાં આવ્યું હોવાનું પોલીસને જણાયું હતું. પોલીસે આ ચોરખાનું ખોલીને તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 40 બોટલ મળી આવી હતી.
પોલીસે દારૂનો જથ્થો, જેની કિંમત રૂ.10,924 છે, તેમજ મારુતિ સુઝુકી ફ્રન્ટી 800 કાર સહિત કુલ રૂ.35,924નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ મામલે પોલીસે જુનાગઢના ઓમનગર, ડેરી પાસે રહેતા ભનજીભાઈ રાજાભાઈ રાવલીયા (ઉં.વ.46), વ્યવસાયે મજૂર, વિરુદ્ધ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તથા ઉના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીની રાહબરીમાં નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ જે.જે. પરમારની સૂચનાથી કરવામાં આવી હતી. પોલીસ ટીમમાં પો.હેડ કોન્સ્ટેબલ પાંચાભાઈ પુંજાભાઈ બાંભણીયા, દિનેશકુમાર કાનાભાઈ ગોહીલ, વિજયભાઈ દુદાભાઈ ચૌહાણ અને સંજયભાઈ વીરાભાઈ વાળા સહિતના કર્મચારીઓ જોડાયા હતા.










