રાજકોટ એસ.ટી. વિભાગમાં રક્ષાબંધનનો ધમધમાટ, એક જ દિવસમાં રૂ.82 લાખની આવક

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજકોટ: રક્ષાબંધનના તહેવારને પગલે રાજકોટ એસ.ટી. વિભાગમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એસ.ટી. નિગમ દ્વારા તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં વધારાની બસોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા પણ મુસાફરોની સુવિધા માટે 66 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. તહેવારના પ્રથમ જ દિવસે વધારાના બસ સંચાલનને કારણે વિભાગની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.

રક્ષાબંધનના કારણે રાજકોટથી વિવિધ શહેરો અને ગામડાઓ તરફ જતી બસોમાં ભારે ભીડ જોવા મળી હતી. રાજકોટથી અલગ-અલગ રૂટ પર જવા માટે એક જ દિવસમાં 5 હજારથી વધુ ટિકિટનું ઓનલાઈન બુકિંગ થયું હોવાનું વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. મુસાફરોની સંખ્યા વધતા લગભગ તમામ રૂટ પર બસો હાઉસફુલ દોડી હતી.

રાજકોટ એસ.ટી. વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, ગઈકાલે એક જ દિવસમાં વિભાગને રૂ.82 લાખથી વધુની આવક થઈ હતી. સામાન્ય દિવસોની સરખામણીએ તહેવારના કારણે આવકમાં મોટો ઉછાળો નોંધાયો છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, દાહોદ, વડોદરા, મોરબી, જામનગર, અમરેલી અને જુનાગઢ તરફના રૂટ પર મુસાફરોનો ભારે ધસારો રહ્યો હતો.

દરમિયાન આજે પણ સવારથી જ રાજકોટ એસ.ટી. બસપોર્ટ ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. બસપોર્ટ પર મુસાફરોનો ધસારો વધતા વિવિધ રૂટની બસોમાં પણ ભારે ગીર્દી જોવા મળી હતી. મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા વધારાની બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

વિભાગના અંદાજ મુજબ, રક્ષાબંધનના કારણે આજે પણ એસ.ટી. વિભાગને રૂ.75 લાખથી વધુની આવક થવાની શક્યતા છે. તહેવાર દરમિયાન મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે એસ.ટી. તંત્ર દ્વારા વધારાની બસો અને જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai