નિયમભંગ બદલ 440 શાહુકારોને કારણદર્શક નોટિસ : વ્યાજવટાવના ધંધાર્થીઓમાં ફફડાટ
રાજકોટ જિલ્લામાં વ્યાજખોરી અને ગેરકાયદે નાણાં ધીરધારની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવા જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ કાર્યવાહી તેજ કરી છે. ‘ગુજરાત નાણાં ધીરધાર કરનારા અધિનિયમ-2011’ અને ‘નિયમો-2013’ હેઠળ નોંધાયેલા શાહુકારો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સામે આવતા કુલ 440 શાહુકારોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
ગંભીર નિયમભંગ સામે 29 શાહુકારોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતા વ્યાજવટાવના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.
15 દિવસમાં હિસાબો રજૂ કરવા આદેશ
નાણાં ધીરધારના વ્યવસાય સાથે સંકળાયેલા અને જરૂરી હિસાબો રજૂ નહીં કરનારા શાહુકારોને અધિનિયમની કલમ 21(2)(ક)(1) તથા કલમ 43 હેઠળ નોટિસ આપવામાં આવી છે.
તેમને 15 દિવસમાં સંતોષકારક ખુલાસો રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. નિયત સમયમર્યાદામાં યોગ્ય જવાબ નહીં મળે તો લાયસન્સ કાયમી ધોરણે રદ કરવા સહિતની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
538 લાયસન્સમાંથી 68ની તપાસ
જિલ્લા રજિસ્ટ્રાર ડો. બિમલકુમાર એન. પટેલના માર્ગદર્શન હેઠળ સહકારી અધિકારી (ધીરધાર) વી.વી. જાડેજા અને તેમની ટીમ દ્વારા જિલ્લામાં શાહુકારોના વ્યવસાય અને દસ્તાવેજોની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં હાલમાં કુલ 538 નાણાં ધીરધારના લાયસન્સ કાર્યરત છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન તેમાંથી 68 શાહુકારોની પ્રત્યક્ષ ચકાસણી કરવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.
ચકાસણી દરમિયાન હિસાબો અને જરૂરી દસ્તાવેજો સહિતના નિયમોનું પાલન ન થયું હોવાનું જણાતા મોટી સંખ્યામાં નોટિસો આપવામાં આવી છે. હવે શાહુકારો દ્વારા રજૂ કરવામાં આવનારા ખુલાસાના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.
તંત્રની આ કડક કાર્યવાહીથી રાજકોટ જિલ્લામાં નિયમોનું પાલન કર્યા વિના વ્યાજવટાવનો વ્યવસાય કરતા શાહુકારોમાં ચિંતા વધવા પામી છે.










