સોના-ચાંદીના દાગીના સાફ કરવાના બહાને છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સોના-ચાંદીના દાગીના સાફ કરવાના બહાને છેતરપિંડી કરતી બિહારની ગેંગનો એલસીબીએ પર્દાફાશ કર્યો છે. ખંભાળિયાના મિલન ચાર રસ્તા નજીકથી પોલીસે ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી સોના-ચાંદીના ઢાળિયા, મોબાઈલ, મોટરસાયકલ તેમજ છેતરપિંડીમાં વપરાતી એસિડ, બ્રશ, પાઉડર, ફટકડી સહિતનો કુલ રૂ.89 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ કલ્યાણપુર તાલુકાના લાંબા અને રાવલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જઈને ફિનાઈલ વેચવાના બહાને ખાસ કરીને વૃદ્ધ મહિલાઓના ઘરમાં પ્રવેશતા હતા. ઘરમાં કોઈ પુરુષ ન હોય ત્યારે મહિલાઓને વિશ્વાસમાં લઈને ભગવાનની મૂર્તિ તથા સોના-ચાંદીના દાગીના સાફ કરી આપવાની વાત કરતા હતા.

પ્રથમ ચાંદીના દાગીના સાફ કરી આપ્યા બાદ સોનાના દાગીના પણ ચમકાવી આપવાની લાલચ આપવામાં આવતી હતી. ત્યારબાદ કેમિકલ અને અન્ય સામગ્રીની મદદથી દાગીનામાંથી સોનું-ચાંદી કાઢી લેવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચનાથી એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એન.એચ. જોષી, પીએસઆઈ બી.એમ. દેવમુરારી અને એમ.આર. સવસેટાની ટીમે બાતમીના આધારે ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડી આરોપીઓને ઝડપી લીધા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં સુબોધસિંગ હિયાલાલસિંગ ખારવા, વિકાસકુમાર બિંદેશ્વરપ્રસાદ ઠાકોર, સંતોષકુમારસિંહ સુબોધપ્રતાપસિંહ કુસ્વા અને અનિરુદ્ધ દિનેશ ભોજલ ઠાકુરનો સમાવેશ થાય છે. આરોપીઓ મૂળ બિહારના રહેવાસી હોવાનું અને હાલ રાજકોટમાં રહી ફિનાઈલ વેચવાનું કામ કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પૂછપરછમાં આરોપીઓ ગ્રામ્ય વિસ્તારોમાં વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતા હોવાનું સામે આવ્યું છે. અજાણ્યા લોકો ફિનાઈલ વેચવાના બહાને અથવા સોના-ચાંદીની વસ્તુઓ સાફ કરી આપવાની લાલચ સાથે ઘરે આવે તો તેમના પર વિશ્વાસ ન કરવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જિલ્લા પોલીસે લોકોને અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai