આરોગ્ય મંત્રીની SMC અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક : હોટફિક્સ કચરાના કાયમી નિકાલ માટે અલગ પ્લોટ સહિતના વિકલ્પો પર ચર્ચા
સુરતમાં હોટફિક્સ કચરાના જાહેરમાં નિકાલને લઈને ઊભી થયેલી સમસ્યા હવે રાજ્ય સરકાર સુધી પહોંચી છે. રહેણાંક વિસ્તારોમાં હોટફિક્સ તથા પ્લાસ્ટિક કચરો જાહેર સ્થળોએ ઠલવાતા ગંદકી, આગના બનાવો અને આરોગ્ય-પર્યાવરણ સામેના જોખમને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે. જાહેરમાં કચરો ફેંકનારા સામે કડક કાર્યવાહી કરવાની માગ વચ્ચે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી હતી.
બેઠકમાં પુણા-સીમાડા, સરથાણા, વરાછા, લિંબાયત અને કતારગામ સહિતના વિસ્તારોમાં હોટફિક્સ અને પ્લાસ્ટિક કચરાના નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
હોટફિક્સ કચરો ઔદ્યોગિક કચરાની શ્રેણીમાં આવતો હોવાથી તેના વૈજ્ઞાનિક અને પર્યાવરણને અનુકૂળ નિકાલની જવાબદારી સંબંધિત ઉદ્યોગોની હોવાનું તંત્રનું માનવું છે. જોકે, રહેણાંક વિસ્તારોમાં ચાલતા નાના હોટફિક્સ યુનિટો અને કારીગરો માટે કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા મોટો પડકાર બની છે.
જાહેર સ્થળોએ કચરો ઠલવાતા મુશ્કેલી વધી
હોટફિક્સ કચરો ખુલ્લામાં ફેંકાતા શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકીની સાથે આગ લાગવાના બનાવોનું જોખમ પણ ઊભું થયું છે. પ્લાસ્ટિક આધારિત કચરો પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે પણ નુકસાનકારક હોવાથી સમગ્ર મુદ્દો ગંભીર બન્યો છે.
આ પરિસ્થિતિમાં જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી રહી છે. જોકે, બીજી તરફ નાના વેપારીઓ અને કારીગરોની રોજગારી પર સીધી અસર ન પડે તે બાબતને ધ્યાનમાં રાખીને વ્યવહારુ ઉકેલ શોધવા મંત્રીએ ભાર મૂક્યો હતો.
અલગ પ્લોટ ફાળવવાના વિકલ્પ પર વિચારણા
બેઠક દરમિયાન હોટફિક્સ સહિતના પ્લાસ્ટિક કચરાના યોગ્ય સંગ્રહ અને નિકાલ માટે અલગ પ્લોટ ફાળવવા સહિતના વિવિધ વિકલ્પો અંગે ચર્ચા કરવામાં આવી હતી. કચરો જ્યાં-ત્યાં ફેંકવાની પ્રવૃત્તિ પર રોક લગાવવાની સાથે નાના યુનિટો અને કારીગરોને કાયદેસર તથા વ્યવસ્થિત નિકાલની સુવિધા મળી રહે તે દિશામાં પાલિકા દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.
હવે તંત્ર સામે મુખ્ય પડકાર એ છે કે શહેરમાં હોટફિક્સ કચરો જાહેરમાં ન ઠલવાય, પર્યાવરણ અને આરોગ્ય સામેનું જોખમ ઘટે અને નાના વેપારીઓ તથા કારીગરોની આજીવિકા પણ અસરગ્રસ્ત ન થાય. આ ત્રણેય બાબતો વચ્ચે સંતુલન જાળવીને કાયમી ઉકેલ લાવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરાઈ છે.










