ડેટિંગ એપની એજન્સી અને સસ્તા ફર્નિચરના નામે બે અલગ-અલગ સાયબર ફ્રોડનો પર્દાફાશ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમની કાર્યવાહી : રાજસ્થાનથી બે આરોપી ઝડપાયા, લાખોની છેતરપિંડીનો ખુલાસો

રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસે ડેટિંગ એપની એજન્સી અપાવવાની લાલચ આપી રૂ.17.81 લાખની છેતરપિંડી કરનાર રાજસ્થાની શખ્સને ઝડપી પાડ્યો છે. બીજી તરફ નિવૃત્ત CRPF આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે ખોટી ઓળખ આપી સસ્તા ફર્નિચરના નામે રૂ.12 હજાર પડાવી લેનારા આરોપીને પણ રાજસ્થાનથી દબોચી લેવાયો છે.

ડેટિંગ એપની એજન્સીના નામે રૂ.17.81 લાખ પડાવ્યા

શાપરના એક યુવકે ‘ટોકી’ નામની ડેટિંગ એપ ડાઉનલોડ કરીને તેમાં રિચાર્જ કરી કોઈન મેળવ્યા હતા. આ કોઈનનો ઉપયોગ એપ પર અન્ય લોકો સાથે વાતચીત કરવા માટે કરતો હતો. દરમિયાન મોબાઇલ નંબર પરથી સંપર્ક કરનાર શખ્સે પોતે ટોકી કંપનીનો એજન્ટ હોવાનું જણાવી યુવકને એપની એજન્સી ખરીદવાથી કોઈનના વેચાણ પર 25 ટકા કમિશન અને અન્ય લાભો મળવાની લાલચ આપી હતી.

આરોપીએ એજન્સી ખરીદવા, એપમાં આઈડી શરૂ કરવા અને એપ્રુવલ પ્રક્રિયાના નામે અલગ-અલગ QR કોડ મારફતે ફરિયાદી પાસેથી ઓનલાઈન પેમેન્ટ કરાવ્યું હતું. ફરિયાદીએ કુલ રૂ.17,81,173 ચૂકવ્યા છતાં તેને એજન્સી કે આઈડી આપવામાં આવી નહોતી. ત્યારબાદ આરોપીઓ વધુ રકમની માંગણી કરતા રહેતા ફરિયાદીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

તપાસ દરમિયાન પોલીસે આરોપી સાથે સંકળાયેલા બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાવતાં આશરે રૂ.5 લાખની રકમ ફ્રીઝ કરવામાં આવી હતી. ટેકનિકલ તપાસમાં આ ફ્રોડમાં રાજસ્થાનના ચુરૂ જિલ્લાના સુરેન્દ્રકુમાર હીરાલાલ સીહાગની સંડોવણી સામે આવી હતી. પોલીસ ટીમે રાજસ્થાન પહોંચી આરોપીને ઝડપી પાડી તેનો મોબાઇલ કબજે કર્યો હતો. આરોપીના પિતાના બેન્ક એકાઉન્ટમાં પણ ફ્રોડની આશરે રૂ.9.30 લાખની રકમ જમા થયાનું તપાસમાં સામે આવ્યું હતું.

નિવૃત્ત CRPF અધિકારી બની ફર્નિચરના નામે ઠગાઈ

બીજા બનાવમાં આરોપીએ પોતે નિવૃત્ત આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, CRPF હોવાની ખોટી ઓળખ આપી હતી. ત્યારબાદ ફર્નિચર કંપનીના એજન્ટ તરીકે ઓળખાણ આપી સીધી કંપનીમાંથી હોલસેલ ભાવે ફર્નિચર વેચતો હોવાનું કહી ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો.

ફરિયાદીએ રૂ.60 હજારમાં ફર્નિચર ખરીદવાનું નક્કી કરતાં આરોપીએ એડવાન્સ પેટે રૂ.12 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. રકમ મળ્યા બાદ આરોપીએ ફોન ઉપાડવાનું બંધ કરી દેતાં ફરિયાદી સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું.

ટેકનિકલ તપાસમાં આ ગુનામાં રાજસ્થાનના ડીગ વિસ્તારના નુરદીન અસલુપ મેવની સંડોવણી સામે આવી હતી. રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ અને શાપર પોલીસની ટીમે રાજસ્થાન પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રોકડ અને મોબાઇલ ફોન કબજે કરી રિમાન્ડ મેળવવામાં આવ્યો હતો.

બંને કેસમાં રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસે બેન્ક એકાઉન્ટ, મોબાઇલ નંબર અને સોશિયલ મીડિયા સહિતની ટેકનિકલ વિગતોના આધારે આરોપીઓ સુધી પહોંચી કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai