મોંઘી પ્રોડક્ટ કાઢી ડમી વસ્તુ મૂકીને રિટર્ન કરતા; કંપનીને રૂ.8 લાખથી વધુનું નુકસાન પહોંચાડ્યાનો ખુલાસો
સુરત: ઓનલાઈન શોપિંગનો વધતો વ્યાપ હવે છેતરપિંડી કરનારાઓ માટે પણ કમાણીનું માધ્યમ બની રહ્યો છે. સુરતમાં Amazonની ડિલિવરીમાંથી અસલી અને મોંઘી પ્રોડક્ટ કાઢી તેના સ્થાને ડમી અથવા અન્ય વસ્તુ મૂકીને કંપની સાથે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. પાલ પોલીસની ટીમે મળેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરી ગેંગ સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી Appleનો મોબાઈલ ફોન, Sandiskની હાર્ડ ડિસ્ક સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ.3 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ અલગ-અલગ ઓનલાઈન ઓર્ડર મારફતે મંગાવવામાં આવેલી અસલી પ્રોડક્ટની અદલાબદલી કરીને કંપનીને રૂ.8 લાખથી વધુનું નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે.
મોંઘી વસ્તુ કાઢી ડમી પ્રોડક્ટ મૂકતા
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પરથી વિવિધ મોંઘી પ્રોડક્ટ્સ ઓર્ડર કરતા હતા. ડિલિવરી મળ્યા બાદ પેકેટ ખોલીને તેમાં રહેલી અસલી અને મોંઘી વસ્તુ કાઢી લેવામાં આવતી હતી.
ત્યારબાદ તેના સ્થાને ડમી પ્રોડક્ટ અથવા અન્ય કોઈ વસ્તુ મૂકીને પેકેટને ફરીથી તૈયાર કરવામાં આવતું હતું. આ બદલાયેલો માલ ત્યારબાદ કંપનીને પરત મોકલવામાં આવતો હતો.
એક પછી એક ઓર્ડરમાં ગેરરીતિ
આરોપીઓએ એક જ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરીને અલગ-અલગ ઓનલાઈન ઓર્ડરમાંથી અસલી માલ કાઢી તેની જગ્યાએ અન્ય વસ્તુ મૂકીને કંપનીને આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
હાલ પાલ પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં કેટલા ઓર્ડરમાં છેતરપિંડી કરવામાં આવી છે, તેમાં અન્ય લોકો સંડોવાયેલા છે કે નહીં અને સમગ્ર નેટવર્ક કેટલું મોટું છે તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.










