‘વંદે માતરમ્’ વિવાદ પર ઈમરાન ખેડાવાલાનો જવાબ, ભાજપે કહ્યું- ‘દેશનું અપમાન’

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રારંભ સાથે જ ‘વંદે માતરમ્’ને લઈને રાજકીય વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પર ભાજપે ‘વંદે માતરમ્’નું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે આ મામલે કોંગ્રેસ પાસે સ્પષ્ટતા માંગવાની સાથે ધારાસભ્યને માફી માંગવા પણ કહ્યું છે.

ઈમરાન ખેડાવાલાએ શું કહ્યું?

વિવાદ અંગે ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, ‘વંદે માતરમ્’ના ગાન દરમિયાન તેઓ માનપૂર્વક ઊભા રહ્યા હતા. જરૂરી કડીઓ દરમિયાન ઊભા રહ્યા બાદ તેઓ બેસી ગયા હતા. તેમણે આને પોતાનું અંગત મંતવ્ય ગણાવી કહ્યું કે, “અમારામાં ખુદાની જ ઈબાદત કરવાનો હુકમ છે.”

ભાજપનો આકરો વિરોધ

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆતમાં ‘વંદે માતરમ્’ની ધૂન વગાડવામાં આવી હતી. ભાજપના આરોપ મુજબ, આ દરમિયાન ઈમરાન ખેડાવાલા પોતાની જગ્યા પર ઊભા થયા બાદ તરત જ બેસી ગયા હતા. ભાજપે આ ઘટનાને રાષ્ટ્રીય ગીતનું અપમાન ગણાવી કોંગ્રેસ પાસે જવાબ માંગ્યો છે.

ભાજપે સવાલ ઉઠાવ્યો કે ‘વંદે માતરમ્’ દરમિયાન બેસી જવું ઈમરાન ખેડાવાલાનું વ્યક્તિગત વલણ છે કે કોંગ્રેસ પાર્ટીનું સત્તાવાર સ્ટેન્ડ છે? ભાજપે કહ્યું કે માત્ર પાર્ટી જ નહીં, પરંતુ દેશની જનતા પણ આ મુદ્દે કોંગ્રેસ અને ધારાસભ્ય પાસેથી સ્પષ્ટતા ઈચ્છે છે.

ભાજપે વધુમાં આક્ષેપ કર્યો કે ‘વંદે માતરમ્’નું અપમાન કરવું એ દેશના અપમાન સમાન છે અને ધારાસભ્યએ આ મામલે દેશની માફી માંગવી જોઈએ. આ મુદ્દે આગામી સમયમાં રાજકીય વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે.

United Times
Author: United Times

DAILY NEWS

Leave a Comment