રાજકોટ: રાજકોટ-મુંદ્રા વચ્ચે શરૂ થયેલી એર ટેક્સીની હવાઈ સેવા હવે વધુ મોંઘી બની છે. એર ટેક્સી એરલાઈન્સે શરૂઆતમાં માત્ર ₹500 રાખેલું રાજકોટ-મુંદ્રાનું ભાડું વધારીને સીધું ₹2,000 કરી દીધું છે. એટલે કે માત્ર નવ દિવસમાં એરફેરમાં ત્રણ ગણો વધારો થયો છે. નવા ભાડાનું બુકિંગ 7 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યું છે.
એર ટેક્સી એરલાઈન્સ દ્વારા આંતરજિલ્લા હવાઈ સેવા અંતર્ગત 28 ઓગસ્ટથી મુંદ્રા-રાજકોટ ઉપરાંત મુંદ્રા-જામનગર, મુંદ્રા-દીવ અને મુંદ્રા-વડોદરા રૂટ પર સેવા શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં રાજકોટ-મુંદ્રા વચ્ચેનું ભાડું ₹500 હોવાથી મુસાફરો માટે આ સેવા આકર્ષક બની હતી, પરંતુ હવે ભાડામાં મોટો વધારો થયો છે.
સપ્તાહમાં ચાર દિવસ સેવા
રાજકોટ-મુંદ્રા વચ્ચે એર ટેક્સીની ઉડાન સપ્તાહમાં ચાર દિવસ એટલે કે સોમવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારે ઉપલબ્ધ છે. આ સેવા રાજકોટ ઉપરાંત મોરબી અને જામનગર જિલ્લાના ઉદ્યોગકારો તથા બિઝનેસમેન માટે પણ ઉપયોગી બની રહી છે. સાથે જ મુંદ્રા થઈને દીવ જેવા પ્રવાસન સ્થળોએ જવા માંગતા મુસાફરો માટે સમયની બચત થઈ રહી છે.
રાજકોટ એરપોર્ટ પરથી અનેક શહેરો માટે સીધી ફ્લાઈટ
રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડિગો અને એર ઈન્ડિયા ઉપરાંત હવે એર ટેક્સીની સેવા પણ ઉપલબ્ધ છે. રાજકોટથી મુંબઈ, નવી મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ અને પુણે જેવા શહેરો માટે સીધી હવાઈ સેવા કાર્યરત છે.
આ ઉપરાંત આંતરજિલ્લા રૂટ પર રાજકોટ-સુરત અને રાજકોટ-મુંદ્રા વચ્ચે નાના વિમાનોનું સંચાલન થઈ રહ્યું છે. ઉદ્યોગકારો, બિઝનેસમેન, ઉચ્ચ અભ્યાસ માટે દેશ-વિદેશ જતા વિદ્યાર્થીઓ, NRI અને અન્ય મુસાફરો આ હવાઈ સેવાનો લાભ લઈ રહ્યા છે. દિવસ દરમિયાન નાના-મોટા મળીને 12થી 14 વિમાનોની અવરજવરથી રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવાઈ ટ્રાફિકમાં પણ વધારો થયો છે.