રાજકોટ: ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ આજે રાજકીય ગરમાવા સાથે થયો હતો. રાજ્યમાં અપૂરતા વરસાદને કારણે ઉભી થયેલી ખેતી અને ઘાસચારાની સમસ્યા, મોંઘવારી તથા અન્ય મુદ્દાઓ સાથે ‘વંદે માતરમ્’ને લઈને પણ વિવાદ સર્જાયો હતો.
આ સત્ર દરમિયાન સરકાર મહેસૂલી સુધારા સહિત આશરે આઠ જેટલા ખરડા રજૂ કરવાની છે. જ્યારે વિપક્ષ દ્વારા વરસાદની અછતથી ખેડૂતોની સ્થિતિ, મોંઘવારી અને લઠ્ઠાકાંડ સહિતના મુદ્દાઓ ઉઠાવવામાં આવનાર છે.
જેલવાસી ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવા ગૃહમાં પહોંચ્યા
સત્રના પ્રથમ દિવસે જ સાત વર્ષની જેલની સજા ભોગવી રહેલા ‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામાં હાજરી ચર્ચાનું કેન્દ્ર બની હતી. હાઈકોર્ટે તેમને વિધાનસભાની કાર્યવાહી માટે સાત દિવસના જામીન મંજૂર કર્યા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ ‘આપ’ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ તેમનું સ્વાગત કર્યું હતું.
બગડેલા પાક સાથે ગોપાલ ઈટાલીયા પહોંચ્યા
રાજ્યમાં પૂરતા વરસાદના અભાવે પાકને થયેલા નુકસાનનો મુદ્દો ઉઠાવવા ‘આપ’ના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા બગડેલા પાકનો જથ્થો લઈને વિધાનસભા પહોંચ્યા હતા. તેમની સાથે ‘આપ’ના અન્ય બે ધારાસભ્યો પણ હતા. જોકે પોલીસે બગડેલા પાક સાથે તેમને ગૃહમાં પ્રવેશતા અટકાવ્યા હતા. અંતે પાકનો જથ્થો બહાર મૂકીને ધારાસભ્યો વિધાનસભામાં ગયા હતા.
બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યોએ પણ વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂતો અને મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈને બેનરો સાથે ધરણાં કરવામાં આવ્યા હતા.
‘વંદે માતરમ્’ દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય બેસી જતાં વિવાદ
વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં ‘વંદે માતરમ્’નું ગાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઈબ્રાહીમ ખેડાવાલા બે કડીઓ સુધી ઊભા રહ્યા બાદ પોતાની બેઠક પર બેસી ગયા હતા. જેને લઈને ભાજપે વાંધો ઉઠાવ્યો છે.
ભાજપે ખેડાવાલાના આ વર્તનને ‘વંદે માતરમ્’નું અપમાન ગણાવી વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરવાની જાહેરાત કરી છે. સાથે જ ધારાસભ્ય સામે પગલાં લેવાની પણ માંગ કરવામાં આવી છે.
ખેડાવાલાએ કહ્યું- ‘મારી આસ્થા મુજબ નિર્ણય લીધો’
ઈબ્રાહીમ ખેડાવાલાએ જણાવ્યું હતું કે તેમણે ‘વંદે માતરમ્’ની પ્રથમ બે કડીઓ દરમિયાન ઊભા રહીને સન્માન આપ્યું હતું. તેમણે કહ્યું કે, “મેં મારી આસ્થા મુજબ નિર્ણય લીધો છે અને તેમાં હું નિશ્ચિત છું.”
આ ઘટનાને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય નિવેદનબાજી શરૂ થઈ છે અને ચોમાસુ સત્રના પ્રથમ જ દિવસે વિધાનસભામાં વાતાવરણ ગરમાયું છે.










