ગ્રાન્ટેડ શાળાઓમાં શૈક્ષણિક-બિનશૈક્ષણિક સ્ટાફની ભરતીમાં અનામતના નિયમો લાગુ થશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડમી શાળા સંચાલકો સામે કડક કાર્યવાહી, 2 વર્ષની જેલ અને રૂ.15 લાખ સુધીના દંડની જોગવાઈ

ગાંધીનગર: ગુજરાતમાં ડમી શાળાઓ તેમજ શિક્ષણ બોર્ડની નોંધણી, માન્યતા કે જોડાણ વિના ચલાવવામાં આવતી શાળાઓ સામે રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતી તેમજ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની નોકરીને જોખમમાં મૂકતી આવી શાળાઓ સામે કડક કાયદાકીય જોગવાઈ કરવામાં આવી રહી છે.

રાજ્ય વિધાનસભાના હાલના સત્રમાં ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (સુધારા) ખરડો-2026 રજૂ કરવામાં આવી રહ્યો છે. આ ખરડા દ્વારા વર્ષ 1972ના મૂળ કાયદામાં સુધારા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

સુધારા મુજબ શિક્ષણ બોર્ડ અથવા પરીક્ષા બોર્ડની નોંધણી, માન્યતા કે જોડાણ વિના ચાલતી ડમી કે ખાનગી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાના સંચાલક અથવા સ્થાપક સામે એકથી બે વર્ષની જેલ અને રૂ.10 લાખથી રૂ.15 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. હાલ આવી ગેરરીતિ માટે માત્ર રૂ.1 લાખથી રૂ.2 લાખ સુધીના દંડની જોગવાઈ હોવાનું જણાવાયું છે.

શાળામાં પ્રિન્સિપાલ, હેડમાસ્ટર કે શિક્ષકોની ગેરકાયદેસર ભરતી કરનાર સામે પણ કડક કાર્યવાહી થશે. આવા કિસ્સામાં હાલના રૂ.1,000ના દંડને વધારીને રૂ.10 લાખ સુધીનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત શાળા સંચાલક દ્વારા પૂરતી સમયમર્યાદાની નોટિસ અને બોર્ડની મંજૂરી વિના શાળા બંધ કરવામાં આવે તો રૂ.20 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. શાળા બંધ કરવાની હોય તો ઓછામાં ઓછા છ મહિના અગાઉ શિક્ષણ બોર્ડ તેમજ વિદ્યાર્થીઓને જાણ કરવી જરૂરી બનશે.

શિક્ષકોના સસ્પેન્શન માટે પણ સમયમર્યાદા

પ્રિન્સિપાલ, હેડમાસ્ટર કે શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવે ત્યારે તેની મંજૂરી માટેનો કેસ સંબંધિત બોર્ડ અથવા સત્તાધિકારીને મોકલવો પડશે. સત્તાધિકારીએ 45 દિવસમાં નિર્ણય લેવો ફરજિયાત રહેશે. નિર્ધારિત સમયમર્યાદામાં નિર્ણય ન લેવાય તો સસ્પેન્શન આપોઆપ રદ થઈ જશે.

ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી માટે અનામતનો અમલ

સુધારા દ્વારા ગ્રાન્ટેડ ખાનગી શાળાઓમાં પણ ભરતી પ્રક્રિયાને વધુ કાયદાકીય માળખા હેઠળ લાવવામાં આવશે. શિક્ષકો, હેડમાસ્ટર, પ્રિન્સિપાલ તેમજ બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી માટે લાયકાત અને ભરતીના ધોરણો નિશ્ચિત કરવામાં આવશે. સાથે જ ભરતી પ્રક્રિયામાં સરકારની અનામત નીતિનો અમલ કરવો ફરજિયાત બનશે.

આ સુધારાથી ડમી શાળાઓ પર નિયંત્રણ લાવવાની સાથે વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય અને શાળાના કર્મચારીઓની નોકરીની સુરક્ષા વધુ મજબૂત બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai