સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહની અધ્યક્ષતા કરશે
ગાંધીનગર: ગુજરાત માટે ગૌરવ અને ઐતિહાસિક ક્ષણ સમાન પ્રસંગ આકાર લેવા જઈ રહ્યો છે. ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત 72મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહનું પ્રથમવાર નવી દિલ્હીની બહાર ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાનારા આ રાષ્ટ્રીય સમારોહમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહેશે.
પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, 22 સપ્ટેમ્બરે યોજાનારા આ ભવ્ય રાષ્ટ્રીય સમારોહની અધ્યક્ષતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેશે.
સમારોહમાં ભારતીય ફિલ્મ જગતના નામાંકિત કલાકારો, દિગ્દર્શકો, નિર્માતાઓ, ટેકનિશિયનો સહિત ફિલ્મ અને કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક જાણીતા લોકો ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડના વિજેતાઓને આ પ્રસંગે સન્માનિત કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 21 સપ્ટેમ્બરથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહમાં હાજરી આપવા ઉપરાંત તેઓ રાજ્યના અન્ય મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.
કેબિનેટ બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાષ્ટ્રપતિની મુલાકાત તેમજ વિવિધ કાર્યક્રમોની તૈયારીઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા આ રાષ્ટ્રીય અને વૈશ્વિક મહત્વ ધરાવતા કાર્યક્રમને યાદગાર બનાવવા માટે જરૂરી વહીવટી અને આયોજનબદ્ધ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.










