આવતીકાલે રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળ : અબજો રૂપિયાના વ્યવહારો ખોરવાવાની શક્યતા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પાંચ દિવસના બેંકિંગ સપ્તાહ સહિતની માંગણીઓને લઈને કર્મચારી-અધિકારીઓનો વિરોધ; શનિ-રવિની રજા હોવાથી સળંગ ત્રણ દિવસ બેંકો બંધ રહેશે

નવી દિલ્હી: બેંક કર્મચારી અને અધિકારી યુનિયનો દ્વારા વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે આવતીકાલે રાષ્ટ્રવ્યાપી એક દિવસની બેંક હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. હડતાળને કારણે ખાસ કરીને સરકારી અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં સામાન્ય બેંકિંગ કામગીરી પ્રભાવિત થવાની શક્યતા છે. શુક્રવાર બાદ શનિ-રવિની અઠવાડિક રજા હોવાથી બેંકિંગ સેવાઓ પર સળંગ ત્રણ દિવસ અસર જોવા મળી શકે છે.

રોકડથી લઈને ચેક ક્લિયરિંગ સુધી અસર

યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ હેઠળ વિવિધ બેંક કર્મચારી-અધિકારી સંગઠનો હડતાળમાં જોડાઈ રહ્યા છે. મોટા ભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં શાખાકીય કામગીરી બંધ રહેવાની શક્યતા છે. તેના કારણે રોકડ ઉપાડ-જમા, ચેક ક્લિયરિંગ, RTGS સહિતના બેંકિંગ વ્યવહારો ખોરવાઈ શકે છે.

યુનિયનોના મતે રાષ્ટ્રીય સ્તરે હડતાળને કારણે મોટા પ્રમાણમાં નાણાકીય વ્યવહારો અટકી શકે છે.

પાંચ દિવસના કામકાજની માંગ

બેંક કર્મચારી સંગઠનોની મુખ્ય માંગ પૈકી એક અઠવાડિયામાં પાંચ દિવસ બેંકિંગ કામગીરી લાગુ કરવાની છે. યુનિયનોનો દાવો છે કે આ અંગે આશરે બે વર્ષ અગાઉ સમજૂતી થઈ હોવા છતાં તેનો અમલ હજુ સુધી થયો નથી.

સમજૂતી મુજબ સોમવારથી શુક્રવાર સુધીના કામકાજના સમયમાં દરરોજ આશરે 40 મિનિટનો વધારો કરીને શનિવારની રજા આપવાની જોગવાઈ અંગે સહમતી થઈ હતી. ઇન્ડિયન બેંક્સ એસોસિયેશન દ્વારા પણ સરકારને આ અંગે ભલામણ મોકલવામાં આવી હોવા છતાં અંતિમ મંજૂરી મળતી ન હોવાનો યુનિયનોનો આક્ષેપ છે.

PLI સ્કીમ સામે પણ વિરોધ

બેંક યુનિયનો દ્વારા પરફોર્મન્સ લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. યુનિયનોના જણાવ્યા મુજબ વર્તમાન યોજના ભેદભાવપૂર્ણ છે અને તેના કારણે આશરે 95 ટકા કર્મચારીઓ યોજનાના લાભથી બહાર રહી શકે છે.

આ મુદ્દે દ્વિપક્ષીય ચર્ચા દ્વારા જરૂરી ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે. ગત મહિને ચર્ચા થયા બાદ વધુ વાટાઘાટો કર્યા વિના યોજનાનો અમલ શરૂ કરવામાં આવતા કર્મચારીઓમાં અસંતોષ ફેલાયો હોવાનો યુનિયનોનો દાવો છે.

માગણીઓ નહીં ઉકેલાય તો તબક્કાવાર આંદોલન

યુનિયનોનું કહેવું છે કે અન્ય કેટલાક પ્રશ્નો પણ લાંબા સમયથી પડતર છે અને સરકાર દ્વારા તેનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ છે. આવતીકાલની હડતાળ ઉપરાંત જિલ્લા કક્ષાએ ધરણા અને દેખાવો પણ યોજવામાં આવશે.

જો માગણીઓનો ઉકેલ નહીં આવે તો આગામી તબક્કામાં 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારબાદ પણ પ્રશ્નો નહીં ઉકેલાય તો 26 ઓક્ટોબરથી બેમુદતી હડતાળ શરૂ કરવાની ચીમકી યુનિયનો દ્વારા આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai