દુર્ઘટના બાદ ફાયરબ્રિગેડ-વહીવટી તંત્રનું રેસ્ક્યુ ઓપરેશન; નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલ દોડી ગયા
ગાંધીનગર: ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં મોડી સાંજે નિર્માણાધીન બિલ્ડિંગની સાઇટ પર સ્લેબ અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ, ગાંધીનગર મહાનગરપાલિકા અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કાટમાળમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
15 શ્રમિકોને ઈજા
પ્રાથમિક માહિતી મુજબ દુર્ઘટનામાં આશરે 15 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી બે શ્રમિકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.
આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની સારવાર અંગે તબીબો પાસેથી માહિતી મેળવી હતી. તેમણે નિષ્ણાત તબીબોની ટીમને તૈનાત કરી ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા જરૂરી સૂચનાઓ આપી હતી.
ક્રેન અને આધુનિક સાધનોથી રેસ્ક્યુ
દુર્ઘટના બાદ ગાંધીનગર મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડ અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમોએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. કાટમાળ નીચે કોઈ શ્રમિક દટાયો ન હોય તેની ખાતરી કરવા માટે ક્રેન સહિત આધુનિક સાધનોની મદદથી સઘન રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે માહિતી મેળવી તબીબોને જરૂરી સૂચનાઓ આપી હતી.
બાંધકામની ગુણવત્તા અંગે તપાસના આદેશ
સ્લેબ ધરાશાયી થવા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બાંધકામ સ્થળે સલામતીના નિયમોનું પાલન થયું હતું કે નહીં, સેન્ટિંગમાં કોઈ ક્ષતિ હતી કે કેમ તેમજ બાંધકામની ગુણવત્તા સંબંધિત કોઈ બેદરકારી જવાબદાર છે કે નહીં, તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
તપાસના અહેવાલ બાદ નિયમ મુજબ જવાબદારો સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉચ્ચ અધિકારીઓએ પણ સ્થળની મુલાકાત લીધી
સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર અને રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ઝડપી રેસ્ક્યુ કામગીરીને કારણે તમામ ઈજાગ્રસ્ત શ્રમિકોને સમયસર બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ મોટી જાનહાનિ ટળી હતી અને ઝીરો કેજ્યુઅલિટી નોંધાઈ હોવાનું જણાવાયું છે.










