કન્ટેનરમાં સંતાડેલો રૂ.1 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો; રાજસ્થાનના ટ્રકચાલકની ધરપકડ, ત્રણ આરોપી વોન્ટેડ
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે લીંબડી-ચોટીલા નેશનલ હાઇવે પર મોટી કાર્યવાહી કરી છે. રાસ્કા બોડીયા ગામના પુલ નજીકથી કન્ટેનર ટ્રકમાંથી રૂ.1 કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે દારૂના જથ્થા સાથે કન્ટેનર, મોબાઇલ ફોન અને અન્ય સામગ્રી મળી કુલ રૂ.1,26,13,980નો મુદ્દામાલ કબજે કર્યો છે.
31,452 સીલબંધ બોટલો મળી
LCB ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે હાઇવે પર શંકાસ્પદ કન્ટેનર ટ્રકને અટકાવી તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી 31,452 કાચની સીલબંધ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
જપ્ત કરાયેલા વિદેશી દારૂની કિંમત રૂ.1,00,93,980 હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પોલીસે રૂ.25 લાખની કન્ટેનર ટ્રક, રૂ.20 હજારની કિંમતના બે મોબાઇલ ફોન અને બે નંબર પ્લેટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
રાજસ્થાનના ટ્રકચાલકની ધરપકડ
આ કેસમાં પોલીસે કન્ટેનર ટ્રકના ચાલક જુજારામ રીડમલરામ ગોદારા જાટ, રહે. પુરાવા ગામ, તા. ધોરીમના, જિલ્લો બાલોતરા, રાજસ્થાનની ધરપકડ કરી છે.
આ મામલે લીંબડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
દારૂ મોકલનાર અને મંગાવનારની શોધખોળ
પોલીસ તપાસમાં કન્ટેનર ટ્રકના માલિક ઉપરાંત નાસિકના રમેશકુમાર, જે દારૂનો જથ્થો મોકલનાર હોવાનું સામે આવ્યું છે, તેમજ દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા શખસની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે. આ તમામને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
LCB ટીમની સફળ કામગીરી
આ કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ અમરકુમાર ગઢવી અને પોલીસ કોન્સ્ટેબલ કુલદીપ બોરીચાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવી હતી. LCB PI બી.એચ. શીંગરખીયા, PSI આર.જે. ગોહિલ, પેરોલ ફર્લો સ્કોડ PSI એન.એ. રાયમા સહિત પોલીસની ટીમે સંયુક્ત રીતે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.
હેડ કોન્સ્ટેબલ અમરકુમાર ગઢવી, જયપાલસિંહ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ કૃણાલસિંહ ઝાલા, કુલદીપ બોરીચા, સરદારસિંહ બારડ, ભરત સભાડ, મેહુલ મકવાણા, ગીરીરાજસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ પરમાર સહિતના પોલીસ કર્મચારીઓ કાર્યવાહીનો ભાગ બન્યા હતા.










