અમદાવાદની 3 સ્કૂલ અને ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઈ-મેલ મળતા પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડ દોડ્યા; સ્કૂલો ખાલી કરાવી વિદ્યાર્થીઓને રજા અપાઈ

અમદાવાદઃ અમદાવાદની ત્રણ જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેલ મળતા શહેરમાં ભારે ચકચાર મચી છે. બોપલની DPS, થલતેજની ઉદગમ સ્કૂલ અને વેજલપુરની ઝાયડસ સ્કૂલ સહિતની શાળાઓને ધમકી મળ્યા બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.

ધમકીભર્યા ઈ-મેલની જાણ થતાં પોલીસનો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સુરક્ષાના પગલારૂપે ઝાયડસ સહિતની શાળાઓ ખાલી કરાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. જેના પગલે વિદ્યાર્થીઓને લેવા માટે વાલીઓ પણ શાળાઓ તરફ દોડી આવ્યા હતા.

શાળાઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. સુરક્ષાની દૃષ્ટિએ 108 એમ્બ્યુલન્સ તેમજ પ્રહલાદનગર ફાયર સ્ટેશનની ગાડીઓ પણ તૈનાત કરવામાં આવી છે. પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમો દ્વારા સમગ્ર પરિસરની ચકાસણી કરવામાં આવી રહી છે.

ગાંધીનગર કોર્ટને પણ ધમકીભર્યો ઈ-મેલ

બીજી તરફ ગાંધીનગર જિલ્લા અને સેશન્સ કોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર પણ બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી મળ્યાની માહિતી સામે આવી છે. ઈ-મેલ મળ્યા બાદ કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તાત્કાલિક ચેકિંગ હાથ ધરાયું હતું.

મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ ગુજરાત હાઈકોર્ટ અને સુરત કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ અને સુરત ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી બે શખ્સોની ધરપકડ કરી હતી. હવે ફરીથી સ્કૂલો અને કોર્ટને ધમકીભર્યા ઈ-મેલ મળતા સુરક્ષા તંત્ર એલર્ટ થઈ ગયું છે.

તમામ સ્કૂલોને સતર્ક રહેવા સૂચના

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારીએ અમદાવાદની તમામ શાળાઓને સતર્ક રહેવા સૂચના આપી છે. સ્કૂલ સંચાલકોને પોતાના સત્તાવાર ઈ-મેલ નિયમિત ચેક કરવા અને કોઈપણ પ્રકારનો ધમકીભર્યો સંદેશ મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવાયું છે.

આ ઉપરાંત કોઈપણ પ્રકારની અફવા કે ગભરાટ ફેલાવ્યા વિના વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા તથા પોલીસ અને વહીવટી તંત્રની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવા પણ શાળા સંચાલકોને તાકીદ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai