સીટી-બી ડિવિઝન પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું
જામનગર: શહેરના બેડી વિસ્તારમાં બે દિવસ અગાઉ થયેલા પથ્થરમારા અને માથાકૂટના બનાવમાં સીટી-બી ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્કવોડે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓની ધરપકડ બાદ પોલીસે તેમને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
પોલીસને મળેલી બાતમીના આધારે બેડેશ્વર પુલ નીચેથી ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં બેડી આઝાદ ચોક, મુંબઈવાળા દવાખાના પાછળ રહેતા હુશેન હારુનભાઈ વાઘેર (ઉં.23), કાદર હનીફભાઈ વાઘેર (ઉં.33), નાસીર હનીફભાઈ વાઘેર (ઉં.22) અને સુલતાન ગનીભાઈ વાઘેર (ઉં.41)નો સમાવેશ થાય છે.
વિવિધ કલમો હેઠળ કાર્યવાહી
આ ચારેય આરોપીઓ વિરુદ્ધ સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 118(1), 115, 324(2), 352, 351(3), 54 તેમજ જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, પ્રાથમિક પૂછપરછ દરમિયાન ચારેય આરોપીઓએ ગુનામાં પોતાની સંડોવણી કબૂલ કરી હતી.
ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન
આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ પોલીસ દ્વારા બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાતા તત્વોમાં કાયદાનો ભય ઊભો થાય તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી છે.










