ખાનગી શાળાઓમાં સરકારી દખલ સામે રોષ : વિધેયક પાછું ખેંચવા સંચાલકોની ચીમકી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક-2026ની રજિસ્ટર્ડ ખાનગી શાળાઓને અસર કરતી જોગવાઈઓ સામે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે રાજ્ય સરકાર સામે વિરોધનો સૂર ઉઠાવ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ લડતની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

મહામંડળના જણાવ્યા મુજબ, નવા વિધેયકથી બોર્ડને ખાનગી શાળાઓના શૈક્ષણિક કાર્યો, આચાર્ય-શિક્ષકોની કામગીરી તથા શાળાના વહીવટ અંગે વ્યાપક નિયંત્રણની સત્તા મળશે. સંચાલકોનું કહેવું છે કે સરકાર પાસેથી કોઈ ગ્રાન્ટ કે આર્થિક સહાય ન લેતી સ્વનિર્ભર શાળાઓની આંતરિક વ્યવસ્થામાં આ પ્રકારની દખલગીરી યોગ્ય નથી.

વિધેયકમાં સ્ટાફની લાયકાત, Conduct, Discipline અને Service Conditions અંગે નિયમન ઉપરાંત કર્મચારીના સસ્પેન્શન માટે બોર્ડની મંજૂરીની પ્રક્રિયા અને વિવિધ નિયમોના ભંગ બદલ ભારે દંડની જોગવાઈ સામે પણ સંચાલકોએ વાંધો ઉઠાવ્યો છે. શાળા બંધ કરવા અંગે 6 મહિના અગાઉ નોટિસ ન આપનાર સામે ₹20 લાખ સુધીના દંડની જોગવાઈને પણ અતિશય ગણાવવામાં આવી છે.

મહામંડળે આક્ષેપ કર્યો છે કે વિધેયક તૈયાર કરતી વખતે ખાનગી શાળા સંચાલકોના પ્રતિનિધિઓ સાથે પૂરતી ચર્ચા કરવામાં આવી નથી. પ્રમુખ જતીનભાઈ ભરાડ અને મહામંત્રી મનહરભાઈ રાઠોડે જણાવ્યું કે ટૂંક સમયમાં સંચાલકો અને કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવશે. સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ચીમકી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai