સરકારી જમીન પાછી ખેંચવાના નિર્ણય સામેના વાંધા નામંજૂર
અમદાવાદ : અંબાજી અને ગબ્બર તીર્થને જોડતા મહત્વાકાંક્ષી શક્તિ કોરિડોર પ્રોજેક્ટને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. સરકારી જમીન પાછી ખેંચવાના નિર્ણય સામે કરવામાં આવેલી અરજીઓને હાઈકોર્ટે ફગાવી દેતાં પ્રોજેક્ટના અમલીકરણનો માર્ગ વધુ સરળ બન્યો છે.
શુક્રવારે ન્યાયાધીશ નિરલ આર. મહેતાએ બનાસકાંઠા કલેક્ટર દ્વારા કરવામાં આવેલા આદેશોમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે શક્તિ કોરિડોર માટે જરૂરી સરકારી જમીન અંગેના વાંધાઓને મોટો ફટકો પડ્યો છે.
રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરતાં સરકારી વકીલ જી.એચ. વિર્કે જણાવ્યું હતું કે વિવાદિત જમીન સરકારની માલિકીની છે અને વિશાળ જાહેર હિતના પ્રોજેક્ટ માટે તેની જરૂરિયાત છે. સરકાર દ્વારા જમીનનો કબજો પણ મેળવી લેવામાં આવ્યો હોવાનું કોર્ટને જણાવાયું હતું. અંબાજીના સર્વાંગી વિકાસ માટે શક્તિ કોરિડોરને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ગણાવવામાં આવ્યો હતો.
બીજી તરફ, અંબાજી કેળવણી મંડળે હાઈકોર્ટમાં અરજી કરી હતી. મંડળે દાવો કર્યો હતો કે સંબંધિત જમીનનો ઉપયોગ કન્યાશાળા અને રમતના મેદાન માટે કરવામાં આવી રહ્યો છે. જોકે, રાજ્ય સરકારે જાહેર હિતના મહત્વપૂર્ણ પ્રોજેક્ટની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકારી જમીન અંગેનો પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
હાઈકોર્ટે સમગ્ર મામલે કલેક્ટરના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાની જરૂરિયાત ન હોવાનું માની અરજીઓ ફગાવી દીધી હતી. હાઈકોર્ટના આ નિર્ણયથી અંબાજી મંદિર અને પવિત્ર ગબ્બર તીર્થને જોડતા શક્તિ કોરિડોર પ્રોજેક્ટના માર્ગમાં રહેલા કાનૂની અવરોધો દૂર થયા છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ યાત્રિકોને બંને ધાર્મિક સ્થળો વચ્ચે અવરજવરમાં વધુ સુવિધા મળવાની અપેક્ષા છે.










