ગુજરાતના તમામ RTOમાં વાહનચાલકો અને અરજદારોની સુવિધા માટે 15 સપ્ટેમ્બરથી નવી ઓનલાઇન વ્યવસ્થા અમલમાં આવશે. નવી સિસ્ટમ હેઠળ સ્પેશિયલ પરમિટ, ટેમ્પરરી પરમિટ, પરમિટ સરેન્ડર સહિતની 10 સેવાઓ ઓટો એપ્રુવલ અને ઓનલાઇન મોડમાં ઉપલબ્ધ બનશે. આથી વાહનમાલિકો અને અરજદારોને અનેક કામ માટે RTO કચેરીના ધક્કા નહીં ખાવા પડે.
નવી વ્યવસ્થા હેઠળ પરમિટ ટ્રાન્સફર, માલિકી હક ટ્રાન્સફર, NOC, ડીલર ટ્રાન્સફર રદ કરવા સહિતની સેવાઓ ઘરબેઠાં મેળવી શકાશે. ટેમ્પરરી પરમિટ માટે અગાઉ એકથી બે દિવસનો સમય લાગતો હતો, પરંતુ હવે નિશ્ચિત સમયગાળામાં ઓનલાઇન મંજૂરી મળી જશે.
પરમિટ સરેન્ડર કરવાની પ્રક્રિયા પણ હવે RTOમાં રૂબરૂ ગયા વિના પૂર્ણ કરી શકાશે. અગાઉ કોમર્શિયલ વાહનની પરમિટ જમા કરાવવા માટે અરજદારે RTO કચેરીમાં જવું પડતું હતું અને સમગ્ર પ્રક્રિયામાં સાત દિવસ જેટલો સમય લાગી શકતો હતો.
વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ ખોવાઈ જાય અથવા નુકસાન થાય ત્યારે પણ નવી વ્યવસ્થાથી પ્રક્રિયા સરળ બનશે. અગાઉ ઓનલાઇન અરજી બાદ RTO ઇન્સ્પેક્ટરની મંજૂરી લેવી પડતી હતી.
વાહનમાલિકના અવસાન બાદ વારસદારોના નામે પરમિટ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયામાં પણ રાહત મળશે. અગાઉ આ કામગીરીમાં એક અઠવાડિયા જેટલો સમય લાગતો હતો, જ્યારે નવી વ્યવસ્થાથી વારસદારોના નામે પરમિટ ટ્રાન્સફરની કામગીરી વધુ સરળતાથી થઈ શકશે.
જોકે, નવા ડ્રાઇવિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ ટેસ્ટ, લાઇસન્સમાં નવી કેટેગરી ઉમેરવી, વિદેશી લાઇસન્સ સંબંધિત કામગીરી, ફિટનેસ ટેસ્ટ અને નવા વાહનોના દસ્તાવેજોની કેટલીક કામગીરી માટે અરજદારે હજુ પણ RTO કચેરીમાં રૂબરૂ જવું પડશે.
15 સપ્ટેમ્બરથી ગુજરાતના તમામ RTOમાં આ નવી વ્યવસ્થા અમલમાં આવતા વાહનચાલકોને સમય અને મહેનત બંનેમાં મોટી રાહત મળશે.










