આજી-1 અને ન્યારી-1 ડેમમાં પાણીનો જથ્થો ઘટતાં મેયરે સરકારને પત્ર લખ્યો
રાજકોટ : રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે પૂરતો વરસાદ ન પડતાં પીવાના પાણીની સ્થિતિ અંગે ચિંતા વધી છે. શહેરમાં દૈનિક પાણી વિતરણ જળવાઈ રહે તે માટે આજી-1 અને ન્યારી-1 ડેમમાં સૌની યોજના મારફતે અગ્રતાના ધોરણે પાણી છોડવાની માંગ મેયર ડો. નેહલ શુક્લે રાજ્ય સરકાર સમક્ષ કરી છે.
મેયરે ગત 27 ઓગસ્ટે રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી અને જળસંપત્તિ રાજ્ય મંત્રી ઈશ્વરભાઈ પટેલને પત્ર લખી બંને ડેમમાં તાત્કાલિક પાણી ફાળવવા રજૂઆત કરી હતી. આ અંગે અગાઉ પણ રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
પત્રમાં જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં દરરોજ 20 મિનિટ પાણી વિતરણ માટે આશરે 465 MLD રો-વોટરની જરૂરિયાત રહે છે. તેમાંથી 135 MLD પાણી નર્મદા પાઇપલાઇન યોજના મારફતે અને બાકીનું 330 MLD પાણી સ્થાનિક જળાશયોમાંથી મેળવવામાં આવે છે.
હાલમાં આજી-1 ડેમમાં આશરે 446 MCFТી અને ન્યારી-1 ડેમમાં 419 MCFТી પાણી ઉપલબ્ધ છે. આ જથ્થો સતત પાણી ઉપાડવામાં આવતા આગામી સમયમાં ખૂબ જ ઘટી જવાની શક્યતા છે. જો આવક નહીં થાય તો તેની સીધી અસર રાજકોટ શહેરની દૈનિક પાણી વિતરણ વ્યવસ્થા પર પડી શકે છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મેયરે આજી-1 ડેમમાં તબક્કાવાર 2100 MCFТી અને ન્યારી-1 ડેમમાં તબક્કાવાર 1900 MCFТી પાણી સૌની યોજના મારફતે તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા સરકારને અનુરોધ કર્યો છે.
બીજી તરફ ભાદર-1 ડેમમાં પણ વરસાદી પાણીની પૂરતી આવક થઈ નથી. આમ રાજકોટના ત્રણેય મુખ્ય જળાશયોમાં સ્થાનિક વરસાદી પાણીનો સંગ્રહ ઓછો હોવાથી આગામી દિવસોમાં પીવાના પાણીની વ્યવસ્થા જાળવવા સરકારની મદદ જરૂરી બની છે. મેયરે સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ પત્રની નકલ મોકલી શહેરના પાણી પ્રશ્ને તાત્કાલિક કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે.










