ગુજરાત સરકારે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા વધારવા અને મકાન માલિક તથા ભાડૂઆતના હિતોનું સંતુલન જાળવવા માટે ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ વિધાનસભામાં રજૂ કર્યું છે. શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ વિધેયકની જોગવાઈઓની માહિતી આપતા જણાવ્યું હતું કે, હવે રહેણાંક કે વાણિજ્યિક મિલકત લેખિત ભાડા કરાર વિના ભાડે આપી શકાશે નહીં.
નવા કાયદા હેઠળ ભાડા કરારની વિગતો રેન્ટ ઓથોરિટીને આપવાની રહેશે. રેન્ટ ઓથોરિટી ત્રણ મહિનામાં ગુજરાતીમાં ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરશે અને દરેક ભાડા કરારને યુનિક આઈડી આપવામાં આવશે. આ કરાર ઓનલાઈન અપલોડ કરવામાં આવશે, જે માલિક અને ભાડૂઆત બંને માટે મહત્વનો કાનૂની પુરાવો બનશે.
ભાડૂઆત પાસેથી લેવામાં આવતી સિક્યોરિટી ડિપોઝિટ વધુમાં વધુ ત્રણ મહિનાના ભાડા જેટલી જ રાખી શકાશે. મિલકત ખાલી કર્યા બાદ હિસાબ પૂર્ણ કરીને એક મહિનામાં ડિપોઝિટ પરત કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
વિવાદોના ઝડપી નિકાલ માટે રેન્ટ ઓથોરિટી, રેન્ટ કોર્ટ અને રેન્ટ ટ્રિબ્યુનલ એમ ત્રણ સ્તરની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. મકાન માલિક ભાડૂઆતની વીજળી, પાણી અને ગેસ જેવી આવશ્યક સેવાઓ બંધ કરી શકશે નહીં. આવી સેવા બંધ કરવામાં આવે તો રેન્ટ ઓથોરિટી તેને પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપી શકશે.
ભાડૂઆત સતત ભાડું ન ચૂકવે, મિલકતને નુકસાન પહોંચાડે અથવા માલિકની મંજૂરી વિના મિલકત પેટા-ભાડે આપે તો માલિક કાયદાકીય પ્રક્રિયા મારફતે મિલકત ખાલી કરાવી શકશે. બીજી તરફ પૂર, ભૂકંપ કે ચક્રવાત જેવી કુદરતી આપત્તિથી મિલકત રહેવા યોગ્ય ન રહે તો ભાડૂઆતને ભાડામાં રાહત અથવા કરાર લંબાવવાની તક મળશે.
વિધેયકમાં પ્રોપર્ટી મેનેજરને પણ કાયદાકીય માન્યતા આપવામાં આવી છે. સરકારી પરિસરો, કર્મચારીઓના સર્વિસ ક્વાર્ટર્સ તેમજ કેટલીક ધાર્મિક, સખાવતી, વક્ફ અને પબ્લિક ટ્રસ્ટની મિલકતોને કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે. જોકે, બંને પક્ષોની સંમતિથી આવી મિલકતો પણ કાયદા હેઠળ આવી શકશે.










