ગુજરાતની 27 ગ્રાન્ટેડ લો-કોલેજોમાં 108 લેકચરરની ભરતી માટે ખાનગી એજન્સીને આપવામાં આવેલો રૂ.13 કરોડનો વર્કઓર્ડર રાજ્ય સરકારે રદ કરી દીધો છે. ભરતી પ્રક્રિયાની કાયદેસરતા અંગે ગુજરાત હાઇકોર્ટે ગંભીર સવાલો ઉઠાવ્યા બાદ સરકારે આ નિર્ણય લીધો હતો.
જસ્ટિસ નિખિલ કેરીયેલની સુનાવણી દરમિયાન સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે લેકચરર જેવા વ્યાવસાયિક અને શૈક્ષણિક પદોની ભરતી માટે ટેન્ડર પ્રક્રિયા મારફતે ખાનગી એજન્સીને કામગીરી કેવી રીતે સોંપી શકાય? કોર્ટે ભરતી પ્રક્રિયાની પદ્ધતિ તેમજ ખાનગી એજન્સીની લાયકાત અને વિશ્વસનીયતા અંગે પણ સવાલો કર્યા હતા.
સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે વિવાદાસ્પદ વર્કઓર્ડર રદ કરી દેવામાં આવ્યો છે અને હવે 108 લેકચરરની નવી ભરતી પ્રક્રિયા સરકાર દ્વારા જ હાથ ધરવામાં આવશે. આ અંગેનો પરિપત્ર પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
આ વર્કઓર્ડર 2 જાન્યુઆરી 2026ના રોજ 20 મહિના માટે ફિક્સ પગાર પર 108 લેકચરની ભરતી માટે આપવામાં આવ્યો હતો. સરકારની બાંહેધરી અને વર્કઓર્ડર રદ કરવાના પરિપત્રને આધારે હાઇકોર્ટે મામલો પૂર્ણ કર્યો હતો.
કોર્ટે ટકોર કરી હતી કે મુદ્દો કેટલા લેકચરની ભરતી કરવાનો છે તે નથી, પરંતુ ભરતીની પ્રક્રિયા યોગ્ય અને કાયદેસર છે કે નહીં તે મહત્વનું છે. ભરતી માટે GPSC જેવી સંસ્થાઓની જગ્યાએ ખાનગી એજન્સીને જવાબદારી સોંપવાના નિર્ણય સામે પણ કોર્ટે પ્રશ્નો ઉઠાવ્યા હતા.










