લખનૌથી દમ્મામ જતી ફ્લાઈટમાં ટિશ્યૂ પેપર પર મળી ધમકી : 133 મુસાફરોને સુરક્ષિત બહાર કઢાયા
લખનૌથી સાઉદી અરેબિયાના દમ્મામ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળતાં અમદાવાદ એરપોર્ટ પર તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ધમકી મળ્યા બાદ પાયલોટે તાત્કાલિક સ્થાનિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જાણ કરી હતી, ત્યારબાદ ફ્લાઈટને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ફ્લાઈટ 6E 097 બપોરે આશરે 4 વાગ્યે લખનૌથી 133 મુસાફરો સાથે દમ્મામ માટે રવાના થઈ હતી. બોમ્બની ધમકી મળ્યા બાદ તેને અમદાવાદ તરફ વાળવામાં આવી અને સાંજે લગભગ 5.55 વાગ્યે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું.
ફ્લાઈટમાં બોમ્બની ધમકી ટિશ્યૂ પેપર પર લખેલી મળી આવી હતી, જેને સુરક્ષા એજન્સીઓએ કબજે કરી છે. ધમકીભર્યા લખાણ સાથેના હસ્તાક્ષર કોના છે તે જાણવા માટે ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોના હસ્તાક્ષરના નમૂના લેવામાં આવી રહ્યા છે.
ઈમરજન્સી લેન્ડિંગ બાદ ફ્લાઈટને મુખ્ય ટર્મિનલથી દૂર ખસેડવામાં આવી હતી. એરપોર્ટ પર તૈનાત ઇમરજન્સી ટીમો અને સુરક્ષા માર્શલ્સે મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી ટર્મિનલ પર પહોંચાડ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.










