ઓનલાઈન અને ઓટો એપ્રુવલથી કામ થશે ઝડપી : નવા લાયસન્સ અને ટેસ્ટ માટે RTOમાં રૂબરૂ જવું પડશે
ગુજરાત સહિત અમદાવાદના તમામ RTOમાં વાહનચાલકોની સુવિધા વધારવા માટે 15 સપ્ટેમ્બરથી નવી વ્યવસ્થા અમલમાં આવશે. આ અંતર્ગત સ્પેશિયલ પરમિટ, ટેમ્પરરી પરમિટ અને પરમિટ સરેન્ડર સહિત 10 સેવાઓ ઓનલાઈન તથા ઓટો એપ્રુવલ મોડમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. પરિણામે વાહનમાલિકો અને અરજદારોને અનેક કામગીરી માટે RTOની કચેરીના ધક્કા નહીં ખાવા પડે.
નવી વ્યવસ્થા હેઠળ પરમિટ ટ્રાન્સફર, વાહનની માલિકી હક ટ્રાન્સફર, NOC અને ડીલર ટ્રાન્સફર રદ કરવા જેવી સેવાઓ ઘરબેઠાં મેળવી શકાશે. વાહનમાલિકનું અવસાન થયું હોય તેવા કિસ્સામાં વારસદારોના નામે પરમિટ ટ્રાન્સફરની પ્રક્રિયા પણ વધુ સરળ બનશે.
અગાઉ કામચલાઉ પરમિટ માટે અરજી કર્યા બાદ મંજૂરી મેળવવામાં એકથી બે દિવસનો સમય લાગતો હતો. હવે નિશ્ચિત સમયગાળામાં ઓનલાઈન મંજૂરી મળી શકશે. તેવી જ રીતે વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ ખોવાઈ જાય અથવા નુકસાન પામે ત્યારે તેની કામગીરી પણ ઓનલાઈન પ્રક્રિયા થકી સરળ બનશે.
અગાઉ કોમર્શિયલ વાહનની પરમિટ સરેન્ડર કરવા માટે અરજદારે RTOમાં રૂબરૂ હાજર રહેવું પડતું અને પ્રક્રિયા પૂર્ણ થવામાં આશરે સાત દિવસનો સમય લાગતો હતો. નવી વ્યવસ્થામાં RTO ગયા વગર જ આ કામગીરી પૂર્ણ કરી શકાશે.
જોકે તમામ સેવાઓ ઓનલાઈન નહીં બને. વિદેશી ડ્રાઈવિંગ લાયસન્સ, લાયસન્સમાં નવી કેટેગરીનું વાહન ઉમેરવું, નવું લાયસન્સ મેળવવું, ડ્રાઈવિંગ ટેસ્ટ, વાહનનું ફિટનેસ ચેક તથા નવા વાહનના દસ્તાવેજોની કામગીરી માટે વાહનચાલકને હજુ પણ RTOમાં રૂબરૂ જવું પડશે.










