‘હું એરફોર્સનો સ્ક્વોડ્રન લીડર છું’ કહી એન્જિનિયર યુવતીને ફસાવી : રૂ.1.95 લાખની ઠગાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી નોકરી અપાવવાની લાલચ આપી : ‘બેકગ્રાઉન્ડ ચેક ફેલ થયો’ કહી વધુ રૂ.1.15 લાખ પડાવ્યા, રાજકોટનો શખ્સ ઝડપાયો

રાજકોટ: એરફોર્સમાં નોકરી અપાવવાની લાલચ આપી એન્જિનિયર યુવતી પાસેથી રૂ.1.95 લાખ પડાવી લેવાના કિસ્સામાં યુનિવર્સિટી પોલીસે રાજકોટના 33 વર્ષીય શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપીએ ઈન્સ્ટાગ્રામ પર યુવતી સાથે સંપર્ક કેળવી પોતે ભારતીય એરફોર્સની ‘સૂર્યકિરણ ટીમ’માં ફ્લાઈંગ બ્રાન્ચનો સ્ક્વોડ્રન લીડર હોવાની ખોટી ઓળખ આપી હતી. પોલીસે આરોપીને ઝડપી રિમાન્ડ પર લીધો છે.

માધાપર ચોક પાસે અવધ રેસિડેન્સીમાં રહેતી 28 વર્ષીય દિશાબા પ્રવિણસિંહ પરમારે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, યુવતી મૂળ રાજકોટની છે અને છેલ્લા સાત વર્ષથી ગાંધીનગરની TCS કંપનીમાં સિસ્ટમ એન્જિનિયર તરીકે નોકરી કરે છે. ગાંધીનગરમાં રહેતી યુવતી રજાના દિવસોમાં રાજકોટ આવતી હતી.

ઈન્સ્ટાગ્રામથી સંપર્ક, એરફોર્સ અધિકારી હોવાનો દાવો

યુવતી ઈન્સ્ટાગ્રામ પર ‘પ્રતીક 7539’ નામના એકાઉન્ટને ફોલો કરતી હતી. 17 મેના રોજ પ્રતીક ભારદ્વાજ નામના શખ્સે તેને મેસેજ કર્યો હતો. તેણે પોતે ઇન્ડિયન એરફોર્સમાં કર્ણાટક ખાતે ફરજ બજાવતો હોવાનું અને ‘સૂર્યકિરણ ટીમ’ની ફ્લાઈંગ બ્રાન્ચમાં સ્ક્વોડ્રન લીડર હોવાનો દાવો કર્યો હતો.

યુવતીને પણ એરફોર્સમાં નોકરી કરવાની ઈચ્છા હોવાથી તેણે આરોપી પાસેથી નોકરી અંગે માહિતી મેળવવાનું શરૂ કર્યું. બંને વચ્ચે ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર વાતચીત થતી રહી અને આરોપીએ ધીમે ધીમે યુવતીનો વિશ્વાસ કેળવી લીધો.

‘પૈસા આપશો તો એરફોર્સમાં નોકરી અપાવી દઈશ’

આરોપીએ યુવતીને એરફોર્સમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. તેણે એવો દાવો કર્યો હતો કે ‘ઈન્ટરનલ લેવડદેવડ’ દ્વારા પણ એરફોર્સમાં નોકરી મેળવી શકાય છે. ત્યારબાદ તેણે યુવતીને પોતાના મોબાઈલ નંબર આપ્યા અને નોકરીના નામે રૂપિયા માંગવાનું શરૂ કર્યું.

સૌપ્રથમ નોકરી માટે રૂ.8 હજાર ભરવા કહ્યું હતું. યુવતીએ આરોપીના કહેવા પ્રમાણે આધારકાર્ડ, માર્કશીટ અને ફોટા સહિતના દસ્તાવેજો પણ મોકલ્યા હતા. ત્યારબાદ અલગ-અલગ કારણો આપી તેની પાસેથી તબક્કાવાર રૂપિયા લેવામાં આવ્યા હતા.

‘બેકગ્રાઉન્ડ ચેક ફેલ’ કહી રૂ.1.15 લાખની માગણી

ઠગાઈનો સૌથી મોટો તબક્કો ત્યારે આવ્યો જ્યારે આરોપીએ યુવતીને કહ્યું કે તેનો બેકગ્રાઉન્ડ ચેક ફેલ થયો છે. હવે ઉપરી અધિકારીને વધુ રૂપિયા આપવા પડશે તેમ કહી તેણે વધુ રૂ.1.15 લાખની માંગણી કરી હતી.

નોકરી મેળવવાની આશામાં યુવતીએ આ રકમ પણ ટ્રાન્સફર કરી દીધી હતી. આ રીતે કુલ રૂ.1.95 લાખ ચૂકવ્યા બાદ પણ યુવતીને નોકરી અંગેનો કોઈ લેટર મળ્યો નહીં. ઉપરથી આરોપીએ વધુ રૂપિયા માંગતા યુવતીને સમગ્ર મામલે શંકા ગઈ હતી.

1930 પર ફરિયાદ બાદ ઠગાઈનો પર્દાફાશ

યુવતીએ તાત્કાલિક CID ક્રાઈમ ગાંધીનગરની હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરી ફ્રોડ અંગે અરજી કરી હતી. ત્યારબાદ ગુનો નોંધાતા યુનિવર્સિટી પોલીસ મથકના PI કે.કે. ગોહીલની રાહબરી હેઠળ ASI સંજયભાઈ ઠાકર, હેડ કોન્સ્ટેબલ રાહુલ ઠાકુર, કોન્સ્ટેબલ સાવનભાઈ વસોયા અને TRB હેમાંગભાઈ સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી.

પોલીસે ટેક્નિકલ તપાસ અને માનવ બાતમીના આધારે આરોપી **પ્રતીક મહેશ ભારદ્વાજ (ઉં.વ.33, રહે. શાંતીનિકેતન પાર્ક-4, મેઈન રોડ, રૈયા રોડ, નાણાવટી ચોક, રાજકોટ)**ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી બે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આર્થિક ભીંસના કારણે કારસ્તાન કર્યાની કબૂલાત

પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આર્થિક ભીંસ દૂર કરવા માટે આ પ્રકારનું કારસ્તાન કર્યું હોવાની કબૂલાત આપી હોવાનું જાણવા મળ્યું છે.

હવે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે એરફોર્સમાં નોકરી અપાવવાની લાલચ આપી આરોપીએ અન્ય કેટલા યુવક-યુવતીઓને પોતાની જાળમાં ફસાવ્યા છે અને તેમની પાસેથી પણ રૂપિયા પડાવ્યા છે કે કેમ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai