1948થી આજદિન સુધીના ટુકડા ધારા ભંગને દંડ વિના રેગ્યુલાઈઝ કરવાની જોગવાઈ : 10 ગુંઠાની એકસમાન મર્યાદાથી જમીન વ્યવહારોની ગૂંચવણ દૂર થશે
ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં આઝાદી બાદ પ્રથમ વખત ટુકડા ધારા-1947માં મોટા અને વ્યાપક સુધારા કરતું વિધેયક પસાર કરવામાં આવ્યું છે. આ સુધારાથી છેલ્લા 75 વર્ષથી જમીન વ્યવહારો સાથે જોડાયેલી જટિલતાઓ દૂર થવાની સાથે લાખો ખેડૂતો અને જમીન ધારકોને મોટી રાહત મળવાનો માર્ગ મોકળો થયો છે.
વિધેયકની જોગવાઈ મુજબ વર્ષ 1948થી નવા કાયદાના અમલ સુધી ટુકડા ધારા હેઠળ થયેલા ભંગને કોઈપણ પ્રકારનો દંડ વસૂલ્યા વગર નિયમબદ્ધ એટલે કે ‘રેગ્યુલાઈઝ’ કરવામાં આવશે. એટલે કે નિયમ કરતા નાના ટુકડામાં જમીન પડી ગઈ હોય અથવા ટુકડા ધારાનું ઉલ્લંઘન થયું હોય તેવા જૂના તમામ કિસ્સાઓને દંડ વિના નિયમિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
સુધારા વિધેયકમાં ઉમેરાયેલી નવી કલમ 5(4) હેઠળ રાજ્ય સરકાર દ્વારા તમામ લોકલ એરીયામાં જમીનના ટુકડાનું એકસમાન ક્ષેત્રફળ 10 ગુંઠા એટલે કે 1,012 ચોરસ મીટર નક્કી કરવામાં આવ્યું છે. આથી અલગ-અલગ વિસ્તારોમાં ટુકડા ધારા અંગે ઊભી થતી ગૂંચવણો દૂર થશે.
વિધાનસભામાં વિધેયક રજૂ કરતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ સુધારાથી શહેરી વિસ્તારોને ટુકડા ધારાની અસરમાંથી સંપૂર્ણ મુક્તિ મળશે. જમીનની લે-વેચ અને ટાઇટલ સંબંધિત અટવાયેલા પ્રશ્નોનો ઉકેલ આવતાં રાજ્યના સર્વાંગી વિકાસને પણ ગતિ મળશે.
અત્યાર સુધી ટુકડા ધારા હેઠળના ભંગના કેસોમાં જંત્રીના 10 ટકા જેટલી પેનલ્ટી ભર્યા બાદ પણ જમીન વ્યવહાર સંપૂર્ણપણે કાયદેસર માનવામાં આવતો ન હતો અને ઘણા કિસ્સાઓ ‘ફોક’ ગણાતા હતા. નવા સુધારાથી આવા પ્રશ્નોમાં રાહત મળવાની સાથે હજારો બોનાફાઇડ ખરીદદારોના જમીન ટાઇટલ ક્લિયર થવાનો માર્ગ ખુલશે.
આ ઉપરાંત રેવન્યુ કોર્ટમાં વર્ષોથી ચાલી રહેલા ટુકડા ધારા સંબંધિત કેસોના કાયમી નિકાલ માટે પણ આ સુધારો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સરકારના આ નિર્ણયથી જૂના જમીન વિવાદોનો અંત લાવી જમીન વ્યવહારોને વધુ સરળ અને નિયમબદ્ધ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.










