અમદાવાદના નારોલમાં રહેણાંક મકાનમાં ગેરકાયદે કતલખાનું ઝડપાયું: 110 કિલો માંસ સાથે બે આરોપી ઝડપાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ગેરકાયદે રીતે કતલખાનું ચલાવવામાં આવતું હોવાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે નારોલ પોલીસે ન્યુ મુસ્કાન નગરમાં મકાન નંબર 11 પર દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન 110 કિલો માંસ, કતલ માટે ઉપયોગમાં લેવાતા સાધનો અને અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.

બાતમીના આધારે પોલીસનો દરોડો

નારોલ પોલીસને બાતમી મળી હતી કે બાગે કૌશર બી.કે. સ્કૂલ સામે આવેલા ન્યુ મુસ્કાન નગરના મકાનમાં બહારથી પશુઓ લાવી ગેરકાયદે કતલ કરવામાં આવે છે. બાતમીના આધારે પોલીસે AMCના સેનેટરી ઇન્સ્પેક્ટર બી.આઈ. બાવા અને પંચોને સાથે રાખીને મકાનમાં દરોડો પાડ્યો હતો.

તપાસ દરમિયાન લોખંડનો છરો, છરી, કુહાડી, ડિસમિસ સહિતના કતલ માટે ઉપયોગમાં લેવાતા સાધનો મળી આવ્યા હતા. સાથે જ મકાનમાંથી 110 કિલો માંસ મળી આવ્યું હતું. માંસના નમૂના FSLમાં મોકલવામાં આવતાં તે ભેંસ વંશનું હોવાનું સામે આવ્યું હતું.

ઘાસચારા-પાણી વગર ભેંસ અને પાડું બાંધેલા મળ્યા

પોલીસે મકાનની પાછળની ગેલેરીમાં તપાસ કરતાં ઘાસચારા અને પાણી વિના બાંધેલી એક જીવિત ભેંસ અને એક પાડું મળી આવ્યા હતા. પોલીસે બંને પશુઓને મુક્ત કરાવ્યા હતા.

પોલીસે જપ્ત કરેલા 110 કિલો માંસની કિંમત અંદાજે રૂ.33 હજાર હોવાનું જણાવ્યું છે. સેનેટરી ઇન્સ્પેક્ટરની હાજરીમાં કેરોસીન અને ફિનાઈલ નાખીને માંસનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રૂ.10 હજારનો મોબાઈલ અને કતલના સાધનો સહિત કુલ રૂ.43 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

બે આરોપીની ધરપકડ, સપ્લાયરની શોધખોળ

આ કેસમાં મોહમદ શાહરૂખ કુરેશી અને મોહમદ સલમાન કુરેશીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં બંનેએ 12 સપ્ટેમ્બરે કઠલાલમાં રહેતા સહેજાદ કુરેશી પાસેથી રૂ.72 હજારની કિંમતમાં ત્રણ પશુ લાવ્યા હોવાનું અને ત્યારબાદ એક પશુની કતલ કરી હોવાનું કબૂલ્યું હોવાનું સામે આવ્યું છે.

પોલીસે બંને આરોપીઓ સામે BNS, ગુજરાત પશુ સંરક્ષણ સુધારણા અધિનિયમ, પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ અને GPMC એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. સાથે જ કઠલાલથી પશુઓ સપ્લાય કરનાર સહેજાદ કુરેશીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

કઠલાલથી અમદાવાદ સુધી નેટવર્કની તપાસ

પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ રહેણાંક વિસ્તારમાં કોઈને શંકા ન જાય તે રીતે મકાનની ગેલેરીમાં પશુઓને રાખતા અને સવારના સમયે કતલ કરતા હોવાનું સામે આવ્યું છે.

હવે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે કતલ કરાયેલા પશુનું માંસ અમદાવાદમાં ક્યાં અને કોને સપ્લાય કરવામાં આવતું હતું. કઠલાલથી અમદાવાદ સુધી પશુઓની ગેરકાયદે હેરાફેરી અને માંસના સપ્લાય સાથે અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai