ટેકઓફ પહેલા જ રાજકોટ-દિલ્હીની ફ્લાઈટ પરત ફરી, રદ થતાં 180 મુસાફરો રઝળ્યા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રનવે પર દોડતી વખતે ટેકનિકલ ખામી સર્જાઈ : 3 કલાકની રાહ બાદ મધરાતે મુસાફરોને એરપોર્ટથી પરત ફરવાની ફરજ પડી

રાજકોટના હિરાસર સ્થિત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શુક્રવારે રાત્રે એર ઈન્ડિયાની રાજકોટ-દિલ્હી ફ્લાઈટમાં ટેકઓફ પહેલાં જ ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. જેના પગલે અંદાજે 180 મુસાફરો રઝળી પડ્યા હતા.

દિલ્હીથી રાજકોટ પહોંચેલી ફ્લાઈટમાં દિલ્હી જવાના મુસાફરોને બેસાડ્યા બાદ વિમાન ટેકઓફ માટે રનવે પર આગળ વધ્યું હતું. દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા પાયલોટે વિમાનને પરત પાર્કિંગ એરિયામાં લાવી મુસાફરોને નીચે ઉતારી દીધા હતા.

આ બાદ એરલાઈન્સ દ્વારા ખામી દૂર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સફળતા ન મળતાં રાત્રે લગભગ 11:30 વાગ્યે ફ્લાઈટ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. દિલ્હી જતી આ રાત્રિની છેલ્લી ફ્લાઈટ રદ થતાં મુસાફરોને લાંબી રાહ જોયા બાદ મધરાતે એરપોર્ટથી પરત ફરવાની ફરજ પડી હતી.

મુસાફરોને વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા ન મળતા કેટલાક મુસાફરોએ બીજા દિવસે સવારે ઉપડતી ફ્લાઈટમાં પોતાની ટિકિટ બુક કરાવી હતી. રાત્રિના સમયે ટેક્સી મેળવવામાં પણ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પણ ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા રનવે પરથી વિમાન પરત ફર્યું હતું. રાજકોટ એરપોર્ટ પર ટૂંકા ગાળામાં આવી બીજી ઘટના સામે આવતા મુસાફરોમાં નારાજગી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai