કાયદાને બદલે GRના આધારે જમીનની NA અરજીઓ નકારવા સામે હાઈકોર્ટ લાલઘૂમ, કાયમી ઉકેલ લાવવા સરકારને તાકીદ
અમદાવાદ : જમીન બિનખેતી (NA) પરવાનગીના મામલે મહેસૂલી અધિકારીઓની કામગીરી સામે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. અદાલતે કહ્યું કે અગાઉના ચુકાદાઓમાં કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી હોવા છતાં અધિકારીઓ કાયદાની જોગવાઈઓને બદલે સરકારી ઠરાવો અને વહીવટી સૂચનાઓના આધારે NA અરજીઓ નકારી રહ્યા છે, જેના કારણે નાગરિકોને અદાલતના દરવાજા ખખડાવવા પડે છે અને ન્યાયતંત્રનો કિંમતી સમય પણ વપરાય છે.
જામનગરના સતવારા પરસોત્તમ માધવજી અને અન્યની સ્પેશિયલ સિવિલ અરજીની સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ નિરલ આર. મહેતાએ આ મુદ્દે મહત્વપૂર્ણ નોંધ કરી હતી. અગાઉની સુનાવણીમાં જામનગરના કલેક્ટર પાસેથી પૂછવામાં આવ્યું હતું કે સિવિલ દાવો પેન્ડિંગ હોવા અથવા lis pendens એન્ટ્રીના આધારે કયા કાયદાકીય પ્રાવધાન હેઠળ NA પરવાનગી નકારી શકાય.
કલેક્ટરે 9 સપ્ટેમ્બર, 2026ના રોજ રજૂ કરેલા એફિડેવિટમાં 10 માર્ચ, 2022ના સરકારી ઠરાવનો આધાર લીધો હતો. હાઈકોર્ટે નોંધ્યું કે અદાલતો દ્વારા અગાઉથી સ્પષ્ટ કરાયેલા કાયદાકીય સિદ્ધાંતોને અવગણીને માત્ર સરકારી પરિપત્રોના આધારે નિર્ણય લેવો કાયદાકીય રીતે યોગ્ય નથી.
અદાલતે જણાવ્યું કે 2011થી 2026 દરમિયાન બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879ની કલમ 65 અંગે કોર્ટ દ્વારા કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. તેમ છતાં રેવન્યુ અધિકારીઓ દ્વારા જૂની પદ્ધતિ મુજબ માલિકી હક્ક અથવા અગાઉના વિવાદોને આધારે NA અરજીઓ નકારવામાં આવી રહી હોવાની બાબત સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી.
મહેસૂલ વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી એસ. રવિ તરફથી રજૂ કરાયેલા પત્રમાં આ મુદ્દે ગંભીરતાથી વિચારણા ચાલી રહી હોવાનું જણાવાયું હતું. હાઈકોર્ટે સરકારને માત્ર ઉપરછલ્લો ઉકેલ નહીં, પરંતુ NA અરજીઓ નકારવાની મૂળ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તાકીદ કરી છે.
અદાલતે અગાઉ મહેસૂલી અધિકારીઓ માટે તાલીમ અને ઓરિએન્ટેશન કાર્યક્રમો યોજવા તથા જવાબદારી નક્કી કરવા અંગે પણ સૂચનાઓ આપી હોવાનું નોંધાયું. હવે 5 ઓક્ટોબર, 2026ના રોજ વધુ સુનાવણી થશે. તે દિવસે સરકારે અત્યાર સુધી થયેલી કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવાનો રહેશે તેમજ NA મંજૂરી માટે હાલમાં અમલમાં રહેલા તમામ સરકારી ઠરાવો (GR) રેકોર્ડ પર મૂકવાના રહેશે.










