ઉત્તર-પૂર્વના સૂકા પવનોથી તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા, બપોરે ગરમી સાથે લૂ જેવી સ્થિતિ
રાજકોટમાં ચોમાસાની વિદાય પહેલાં જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. શહેરમાં સતત ચોથા દિવસે બપોરના સમયે ઉનાળા જેવી આકરી ગરમી અનુભવાઈ હતી. છેલ્લા ચાર દિવસથી મહત્તમ તાપમાન 35થી 37 ડિગ્રી વચ્ચે નોંધાતા નગરજનો અકળાયા હતા.
હવામાન વિભાગના સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ પવનની દિશા બદલાઈ છે અને ઉત્તર-પૂર્વના સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે બપોરે આકરા તાપ સાથે લૂ જેવી સ્થિતિનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં તાપમાન 36થી 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
બપોરે 2:30 વાગ્યે રાજકોટનું તાપમાન 35 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 44 ટકા અને પવનની ઝડપ 26 કિમી પ્રતિ કલાક રહી હતી. ગરમી સાથે ઝડપી અને સૂકા પવનો ફૂંકાતા લોકોને લૂ જેવો અનુભવ થયો હતો.
દરમિયાન સવારે 8:30 વાગ્યે શહેરનું તાપમાન 26 ડિગ્રી, જ્યારે લઘુતમ તાપમાન 24.2 ડિગ્રી નોંધાયું હતું. સવારે ભેજનું પ્રમાણ 84 ટકા અને પવનની સરેરાશ ઝડપ 18 કિમી પ્રતિ કલાક રહી હતી.










