‘ગરીબ કલ્યાણ પાર્ટી’ના નામે બોગસ રસીદો આપી ટેક્સમાં ખોટો લાભ અપાવ્યાનો આક્ષેપ, CID ક્રાઈમમાં ફરિયાદ
અમદાવાદમાં ‘ગરીબ કલ્યાણ પાર્ટી’ના નામે રૂ.206 કરોડથી વધુના બોગસ ડોનેશન કૌભાંડનો મામલો સામે આવ્યો છે. આવકવેરા વિભાગની તપાસ બાદ CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તપાસમાં આવી નાની પાર્ટીઓનો ઉપયોગ બોગસ ડોનેશન અને નાણાકીય હેરાફેરી માટે થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ફરિયાદ મુજબ કરદાતાઓ પાસેથી ચેક અને RTGS મારફતે રકમ મેળવી બોગસ ડોનેશનની રસીદો આપવામાં આવતી હતી. તેના આધારે કરદાતાઓ દ્વારા આવકવેરા કાયદાની કલમ 80G હેઠળ ટેક્સ કપાતનો લાભ મેળવવામાં આવતો હતો. બાદમાં દાનની રકમ શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કરી રોકડ ઉપાડી 5થી 7 ટકા કમિશન કાપીને બાકીની રકમ પરત આપવાનો આક્ષેપ છે.
તપાસમાં આ કૌભાંડથી સરકારી તિજોરીને આશરે રૂ.62 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં આવી અજાણી નાની પાર્ટીઓ મારફતે અંદાજે રૂ.1,700 કરોડથી વધુના ફંડના વ્યવહારો થયાની પણ તપાસ ચાલી રહી છે.
આ કેસમાં પાર્ટીના પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી, મુખ્ય સૂત્રધાર, શેલ કંપની સાથે સંકળાયેલા વ્યક્તિ અને ત્રણ CA સહિત 9 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. ફરિયાદમાં CA કુલદીપદાન ટાપરિયા અને CA અશોક કુમાર શાહે કથિત રીતે ખોટા ઓડિટ રિપોર્ટ તૈયાર કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.










