ત્રણ ગ્રુપ કંપનીઓ સામે IBC હેઠળ અરજીઓ મંજૂર, ચેતન બી. પટેલની IRP તરીકે નિમણૂક
અમદાવાદ : જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર તક્ષશિલા ગ્રુપની ત્રણ કંપનીઓ સામે NCLTની અમદાવાદ બેન્ચે ઇન્સોલ્વન્સી કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. ‘તક્ષશિલા કોર્પોરેશન LLP’, ‘તક્ષશિલા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ’ અને ‘તક્ષશિલા રેસિકમ પ્રાઇવેટ લિમિટેડ’ સામે IBCની કલમ 7 હેઠળ દાખલ અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
આ અરજીઓ શેઠ ફિનકેપ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આશરે રૂ.7.40 કરોડના ડિફોલ્ટ અંગે કરવામાં આવી હતી. કેસ મુજબ મૂળ રૂ.11 કરોડની ક્રેડિટ સુવિધા આપવામાં આવી હતી, જેના બદલામાં અચળ મિલકતો પર મોર્ગેજ તેમજ પ્રમોટરો કમલેશ ગોંડલિયા અને પાર્થિલ ગોંડલિયાની વ્યક્તિગત ગેરંટી આપવામાં આવી હતી.
આંશિક ચુકવણી બાદ માર્ચ 2025માં આશરે રૂ.5.23 કરોડની બાકી રકમ માટે રિસ્ટ્રક્ચરિંગ કરાર કરવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ ફરી ડિફોલ્ટ થતા ચેક બાઉન્સ અને ડિમાન્ડ નોટિસ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
NCLTએ નોંધ્યું કે બાકી દેવું IBC હેઠળની રૂ.1 કરોડની નિર્ધારિત મર્યાદા કરતાં વધુ છે. ઉપરાંત, પેરેન્ટ કંપની ‘તક્ષશિલા હાઇટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ’ પણ અગાઉથી ઇન્સોલ્વન્સી પ્રક્રિયામાં છે અને વ્યક્તિગત ગેરંટરો સામે પણ કાર્યવાહી ચાલી રહી છે.
ત્રણેય કંપનીઓની કાર્યવાહી વચ્ચે દાવાઓના પુનરાવર્તનને ટાળવા માટે ટ્રિબ્યુનલે ચેતન બી. પટેલને વચગાળાના રિઝોલ્યુશન પ્રોફેશનલ (IRP) તરીકે નિયુક્ત કર્યા છે. સાથે જ IBCની કલમ 14 હેઠળ મોરેટોરિયમ લાગુ કરવામાં આવ્યું છે, જેના કારણે કંપનીઓની સંપત્તિ સામે હસ્તાંતરણ, ફોરક્લોઝર અથવા વસૂલાતની કાનૂની કાર્યવાહી પર રોક રહેશે.
તક્ષશિલા ગ્રુપની ‘તક્ષશિલા એર’ અને ‘તક્ષશિલા મોર’ જેવી યોજનાઓ અગાઉથી RERA સંબંધિત વિવાદોને લઈને પણ ચર્ચામાં રહી છે.










