પ્રવેશથી લઈને સ્ટાફની ચકાસણી સુધીના નિયમો જાહેર; કાયદો હાથમાં ન લેવા કાર્યકર્તાઓને પણ તાકીદ
રાજકોટમાં નવરાત્રિ પહેલાં ગરબા આયોજકો માટે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા વિવિધ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. સંગઠનોના જણાવ્યા મુજબ ગરબા સ્થળે પ્રવેશ માટે માન્ય ફોટો ID અથવા આયોજકો દ્વારા આપવામાં આવેલા અધિકૃત પાસની ચકાસણી કરવી જરૂરી રહેશે.
સંગઠનો દ્વારા ગરબા સ્થળની વ્યવસ્થા સાથે સંકળાયેલા કલાકારો, સંગીતકારો, વીડિયોગ્રાફરો, લાઇટ-સાઉન્ડ કર્મચારીઓ, કેન્ટીન સ્ટાફ, પાર્કિંગ કર્મચારીઓ અને બાઉન્સર્સ સહિતના સ્ટાફની ઓળખ ચકાસવા આયોજકોને જણાવાયું છે. સંગઠનોએ આ તમામ સ્ટાફ અંગે પોતાની ધાર્મિક ઓળખ સંબંધિત શરતો પણ જાહેર કરી છે.
VHPના રાજકોટ જિલ્લા મંત્રી વિનય કારીયાના જણાવ્યા મુજબ ગરબો ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો તહેવાર હોવાથી આયોજકોએ સ્થળની વ્યવસ્થા અને સુરક્ષા અંગે તકેદારી રાખવી જોઈએ. સંગઠનો દ્વારા મહિલાઓની સુરક્ષા, અયોગ્ય ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી, છેડતી અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા પણ સૂચના આપવામાં આવી છે.
જોકે, સંગઠનોએ પોતાના કાર્યકર્તાઓને કાયદો હાથમાં ન લેવા અને કોઈ ઘટના બને તો આયોજકો તથા પોલીસને જાણ કરવા સ્પષ્ટ તાકીદ કરી છે.










