IT વિભાગની ફરિયાદમાં 4 સામે ગુનો; 56 હજારથી વધુ દાતાઓ મારફતે વ્યવહાર અને ₹343 કરોડના કથિત ટેક્સ નુકસાનનો દાવો
ગાંધીનગરમાં રાજકીય ડોનેશનના નામે ₹1,143.85 કરોડના કથિત બોગસ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે. ઇન્કમ ટેક્સ વિભાગે BNJDના પ્રમુખ સુરેન્દ્રકુમાર ગજેરા, જનરલ સેક્રેટરી વિપુલ સોલંકી, ટ્રેઝરર રોનકસિંહ ચાવડા અને CA-ઓડિટર આદિલ સૈયદ સામે ફરિયાદ નોંધાવી છે.
IT વિભાગની ફરિયાદ મુજબ, 2019-20થી 2024-25 દરમિયાન 56,238 દાતાઓ પાસેથી ₹1,143 કરોડથી વધુનું કથિત ડોનેશન મેળવવામાં આવ્યું હતું. દાતાઓને ડોનેશનની રસીદો આપી આવકવેરા કાયદાની કલમ 80GGB અને 80GGC હેઠળ ટેક્સ લાભ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનો આરોપ છે.
ફરિયાદમાં આરોપ છે કે ડોનેશનની રકમ ત્યારબાદ વિવિધ પેઢીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી અને અનાજ-કઠોળ સહિતની ચીજવસ્તુઓના કથિત બનાવટી બિલો દ્વારા વ્યવહારો દર્શાવવામાં આવતા હતા. ત્યારબાદ 2થી 10 ટકા સુધીનું કમિશન કાપીને બાકીની રકમ રોકડમાં ઉપાડી આંગડિયા અથવા હવાલા મારફતે મૂળ દાતાઓને પરત કરવામાં આવતી હોવાનો IT વિભાગનો દાવો છે.
ઇન્કમ ટેક્સ વિભાગે આ કથિત વ્યવસ્થાથી સરકારને આશરે ₹343 કરોડના સીધા ટેક્સ નુકસાનનો અંદાજ વ્યક્ત કર્યો છે. તપાસ દરમિયાન પાર્ટીની ઓફિસ અને હોદ્દેદારોના નિવાસસ્થાને દરોડા દરમિયાન મોટી સંખ્યામાં ડોનેશનની રસીદો અને કથિત વોટ્સએપ સંદેશાઓ મળી આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ફરિયાદમાં પાર્ટીના પ્રમુખને સમગ્ર વ્યવસ્થાના કથિત મુખ્ય સૂત્રધાર તરીકે દર્શાવવામાં આવ્યા છે, જ્યારે અન્ય હોદ્દેદારો અને CA પર અલગ-અલગ ભૂમિકા ભજવવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ તમામ આરોપો હાલ ફરિયાદ અને તપાસમાં કરવામાં આવેલા દાવા છે; મામલે વધુ તપાસ ચાલી રહી છે.










