અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર વહેલી સવારે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સમયે બસમાં સવાર મોટાભાગના મુસાફરો ગાઢ ઊંઘમાં હોવાથી અચાનક થયેલી ટક્કરથી અફરાતફરી મચી ગઈ હતી.
સુરતથી રાજસ્થાન જઈ રહેલી સાઈ દર્શન ટ્રાવેલ્સની લક્ઝરી બસ આણંદથી નડિયાદ તરફ જઈ રહી હતી ત્યારે સવારે આશરે 4 વાગ્યે અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે પાંચ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્મતમાં ઘાયલ સુરતના ધનેશ જાદવે જણાવ્યું હતું કે, બસમાં તમામ મુસાફરો ઊંઘમાં હતા ત્યારે અચાનક જોરદાર ધડાકો થયો હતો અને ત્યારબાદ ચારેય તરફ બૂમાબૂમ મચી ગઈ હતી. પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે થોડા સમય માટે ટ્રાફિકને અસર થઈ હતી, પરંતુ ક્ષતિગ્રસ્ત વાહનો હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો હતો.










