મધ્યપૂર્વના યુદ્ધ સહિતના વૈશ્વિક ઘટનાક્રમ વચ્ચે છેલ્લા કેટલાક દિવસની તેજી બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડ 100 ડોલરની સપાટી તોડીને 96.36 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે.
સવારે WTI ક્રૂડનો ભાવ 90 ડોલરની નીચે આવી 89.62 ડોલર થયો હતો. જ્યારે બ્રેન્ટ ક્રૂડ 96.36 ડોલરે ટ્રેડ થયું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન સાથેનું યુદ્ધ વહેલું સમાપ્ત થવાના અને ક્રૂડ-ગેસના ભાવ ઘટવાના દાવાની પણ બજાર પર અસર જોવા મળી છે.
હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી સજ્જડ ન હોવાના તથા વધુ જહાજો પસાર થઈ રહ્યા હોવાના સંકેતોને પગલે પણ ક્રૂડના ભાવ પર દબાણ વધ્યું છે. ક્રૂડ સસ્તુ થતાં ભારત સહિત વૈશ્વિક અર્થતંત્રને રાહત મળવાની શક્યતા છે, તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાનું જોખમ પણ ઘટી શકે છે.










