અરવલ્લીમાં પોલીસ-બિશ્નોઇ ગેંગ વચ્ચે ફાયરિંગ: PI સહિત 3 પોલીસકર્મી ઘાયલ, એક આરોપી ઝડપાયો
અરવલ્લી જિલ્લામાં નશાના કારોબાર સામે પોલીસની કાર્યવાહી દરમિયાન ફરી એકવાર પોલીસ અને બિશ્નોઇ ગેંગ વચ્ચે અથડામણની ઘટના બની છે. પોશડોડાની હેરાફેરીની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, દરમિયાન શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરતાં આરોપીઓએ પોલીસ વાહન સાથે કાર અથડાવી ફાયરિંગ કર્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, મધ્યપ્રદેશથી રાજસ્થાન તરફ નાર્કોટિક્સનો જથ્થો લઈ જતી ગાડી અંગે બાતમી મળ્યા બાદ એલસીબીની ટીમે રાત્રે વોચ ગોઠવી હતી. રાત્રે આશરે 3 વાગ્યે શંકાસ્પદ ફોર્ચ્યુનર કાર નજરે પડતાં તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, કારચાલકે યુ-ટર્ન મારી રોંગ સાઇડ પર કાર હંકારી પોલીસ વાહન સાથે અથડાવી હતી.
ત્યારબાદ આરોપીઓએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કરતાં પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી. પોલીસના ફાયરિંગમાં એક આરોપીના પગમાં ગોળી વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો અને પોલીસે તેને ઝડપી લીધો હતો, જ્યારે અન્ય એક આરોપી ફરાર થઈ ગયો હતો.
પોલીસે કારની તલાશી લેતાં 500 કિલોથી વધુ પોશડોડાનો જથ્થો, બે માઉઝર પિસ્તોલ અને એક મોબાઇલ ફોન મળી આવ્યા હતા. ઝડપાયેલા આરોપી પાસેથી એક પિસ્તોલ મળી હતી, જ્યારે ફોર્ચ્યુનર કારમાંથી બીજી પિસ્તોલ મળી આવતા પોલીસે કુલ બે હથિયાર કબજે કર્યા છે.
અથડામણ દરમિયાન એલસીબી પીઆઇ એમ.એચ. ઝાલા, પીએસઆઇ પી.પી. સોલંકી અને એએસઆઇ કલ્પેશસિંહને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ત્રણેય પોલીસકર્મીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અરવલ્લી એસપી મનોહરસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, સમગ્ર ઘટનામાં આરોપીઓના અચાનક આક્રમક વલણ બાદ પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી. હાલ ઝડપાયેલા આરોપીની પૂછપરછ અને ફરાર આરોપીની શોધખોળ સાથે પોશડોડાનો જથ્થો તથા હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે, અરવલ્લીમાં ગત 22 સપ્ટેમ્બરે પણ સ્કોર્પિયો કાર પર ફાયરિંગની ઘટના બની હતી. 10 દિવસમાં બીજીવાર બનેલી આ અથડામણ બાદ પોલીસે નશીલા પદાર્થોની હેરાફેરી સામેની તપાસ વધુ તેજ કરી છે.










