જેતપુર સિવિલ હોસ્પિટલમાંથી ઓક્સિજન પ્લાન્ટના પાઇપ-વાલ્વ ચોરીનો ભેદ ઉકેલાયો: ઉના-વિસાવદરની ટોળકી ઝડપાઈ, રૂ.34,500નો મુદ્દામાલ જપ્ત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જેતપુરની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટમાંથી આશરે રૂ.50 હજારની કિંમતના કોપરના પાઇપ અને પિત્તળના વાલ્વની ચોરીના બનાવનો રાજકોટ ગ્રામ્ય LCBએ ભેદ ઉકેલી ઉના-વિસાવદરની ટોળકીને ઝડપી પાડી છે. પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી તેમની પાસેથી 10 સ્ટીલ-ક્રોમ પિત્તળના વાલ્વ, આશરે 3 કિલો કોપરની પાઇપના કટકા, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા પક્કડ, પાનું અને તણી, મોબાઇલ ફોન તથા રોકડ સહિત કુલ રૂ.34,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.

જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલી રાજેશ્વરી સોસાયટીના રહેવાસી અને સિવિલ હોસ્પિટલમાં છેલ્લા આઠ વર્ષથી ઓક્સિજન પ્લાન્ટ ઓપરેટર તરીકે ફરજ બજાવતા જિતેન્દ્રભાઈ ભીખુભાઈ ગોહેલે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, 15મી તારીખે પ્લાન્ટનું ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે તમામ કનેક્શન વ્યવસ્થિત હતા. ત્યારબાદ 17મીએ બપોરે આશરે 2થી 2:30 વાગ્યાના અરસામાં નિયમિત ચેકિંગ માટે પહોંચતા ઓક્સિજન પ્લાન્ટની બહારના મેનિફોલ્ડમાં લગાવવામાં આવેલા કોપરના 10 પાઇપ અને તેની સાથે જોડાયેલા 10 પિત્તળના વાલ્વ ગાયબ હોવાનું જણાયું હતું.

આ અંગે હોસ્પિટલના નોડલ ઓફિસર અને મેટ્રનને જાણ કરવામાં આવી હતી. હોસ્પિટલના સ્ટાફની પૂછપરછ કરતાં પણ પાઇપ અને વાલ્વ અંગે કોઈ માહિતી મળી નહોતી. ત્યારબાદ આશરે રૂ.50 હજારની કિંમતના પાઇપ અને વાલ્વની ચોરી અંગે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદના આધારે રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચનાથી મિલકત સંબંધિત અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવા LCBની ટીમે તપાસ શરૂ કરી હતી. LCB PI જે.પી. રાવની રાહબરી હેઠળ પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ મનીષ વરૂ, મનદીપસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ ભરતભાઈ ગમારાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે **કાળુ ઉર્ફે કાળીયો જોરૂ સોલંકી (ઉં.વ.36, ઉના), રોહન ઉર્ફે રોનક જીવરાજ ડાભી (ઉં.વ.23, વિસાવદર) અને પ્રભાબેન સુરેશ સોલંકી (ઉં.વ.37, ઉના)**ને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ તથા સાધનો મળી આવતા પોલીસે કુલ રૂ.34,500નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં પકડાયેલા આરોપી કાળુ ઉર્ફે કાળીયો સોલંકી વિરુદ્ધ અગાઉ દારૂ, મારામારી અને જુગાર સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. હવે પોલીસે આ ટોળકી દ્વારા અન્ય કોઈ ચોરીના બનાવોને અંજામ આપવામાં આવ્યો છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ ધપાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai