અમદાવાદના પં. દીનદયાળ ઑડિટોરિયમ ખાતે માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આયોજિત ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ વિષયક વિશેષ મલ્ટિમીડિયા પ્રદર્શનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી. આ પ્રદર્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતથી શરૂ થયેલી 25 વર્ષની જનસેવા, નેતૃત્વ અને વિકાસયાત્રાને વિવિધ પેનલ, પોસ્ટર્સ અને દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિઓ દ્વારા રજૂ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ પ્રદર્શન નિહાળ્યું હતું અને મુલાકાતે આવેલા નાગરિકો સાથે સંવાદ પણ કર્યો હતો. આ પ્રદર્શનમાં કૃષિ, શિક્ષણ, ઉદ્યોગ, ઊર્જા, જળશક્તિ, મહિલા સશક્તીકરણ અને સામાજિક વિકાસ સહિતનાં ક્ષેત્રોમાં ગુજરાતે કરેલી પ્રગતિની ઝાંખી રજૂ કરવામાં આવી છે. ઉપરાંત, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, જ્યોતિગ્રામ યોજના, શાળા પ્રવેશોત્સવ, ખેલ મહાકુંભ અને મિશન મંગલમ સહિતની વિવિધ વિકાસલક્ષી પહેલોની માહિતી પણ પ્રદર્શિત કરવામાં આવી છે. ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલા આ પ્રદર્શનમાં મુલાકાતીઓ માટે ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન 5 ઑક્ટોબર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી નાગરિકો માટે ખુલ્લું રહેશે.










