ગુજરાત ભાડા વિધેયક સામે રાજ્યભરના વકીલોએ શરૂ કરેલા વિરોધ અને કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કરતાં સરકારે હાલ પૂરતું વિધેયક અટકાવવાનો નિર્ણય લીધો છે. ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સરકાર વતી આ અંગે ખાતરી આપતાં જણાવ્યું હતું કે, આ મામલે બાર કાઉન્સિલ સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાડા વિધેયકની જોગવાઈઓ સામે વકીલોએ ગત સપ્તાહથી આંદોલન શરૂ કર્યું હતું. અમદાવાદમાં સતત ત્રણ દિવસ સુધી કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કર્યા બાદ આજે રાજ્યભરના વકીલો પણ વિરોધમાં જોડાયા હતા અને કોર્ટની કામગીરીથી અળગા રહ્યા હતા.
વકીલોનો મુખ્ય વિરોધ એ જોગવાઈ સામે છે, જેમાં અદાલતને બદલે સરકારી વહીવટી અધિકારીઓને કેટલીક સત્તાઓ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. વકીલોની માંગ છે કે આ પ્રકારની કામગીરી વહીવટી અધિકારીઓને સોંપવાને બદલે અદાલતના અધિકારક્ષેત્ર હેઠળ જ રાખવામાં આવે.
રાજ્યવ્યાપી વિરોધને પગલે સરકારે હાલ પૂરતું ભાડા વિધેયક અટકાવવાની ખાતરી આપી છે. હવે આ મુદ્દે બાર કાઉન્સિલ સાથે થનારી ચર્ચા અને સરકારના આગામી નિર્ણય પર સૌની નજર રહેશે.










