જામનગરમાં દારૂના કટીંગ વખતે SMCનો દરોડો: બે આરોપી ઝડપાયા, કુલ 9 શખ્સોની સંડોવણી સામે આવી
જામનગરમાં દારૂની હેરાફેરી સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ મોટી કાર્યવાહી કરી છે. શહેરના નાઘેડી GIDC વિસ્તારમાં ટ્રકમાંથી દારૂનો જથ્થો અન્ય વાહનોમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન SMCની ટીમે દરોડો પાડ્યો હતો. પ્લાસ્ટિકના દાણાના બોક્સ અને બેગની આડમાં છુપાવીને લાવવામાં આવેલી દારૂની 10,409 બોટલ સહિત કુલ રૂ.1,37,58,491નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી બે શખ્સોને ઝડપી લીધા છે, જ્યારે કુલ નવ શખ્સોની સંડોવણી સામે આવતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક વિગતો મુજબ, નાઘેડી ગામમાં રહેતા રામ ઉર્ફે રામકો જીવાભાઈ મોઢવાડિયાએ દારૂનો મોટો જથ્થો મંગાવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અન્ય રાજ્યમાંથી ટ્રકમાં દારૂ ભરીને જામનગર લાવવામાં આવ્યો હતો. દારૂને પ્લાસ્ટિકના દાણાના જથ્થાની આડમાં સંતાડવામાં આવ્યો હતો. ત્યારબાદ નાઘેડી નજીકની અવાવરૂ જગ્યાએ ટ્રકમાંથી દારૂ અન્ય વાહનોમાં ખસેડવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન બાતમીના આધારે SMCની ટીમે અચાનક દરોડો પાડતાં દારૂની હેરાફેરી કરતા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી.
પોલીસે સ્થળ પરથી દીપક ઉર્ફે અટાપટુ જમનાદાસ જેઠવાણી (ઉંમર 35, રહે. પંચવટી સોસાયટી, રણજીતસાગર રોડ, જામનગર) અને યુવરાજસિંહ કાળુભા ચુડાસમા (ઉંમર 27, રહે. નાઘેડી ગામ, જામનગર)ને ઝડપી લીધા હતા. યુવરાજસિંહ અશોક લેલન બડા દોસ્ત વાહનનો ચાલક હોવાનું જાણવા મળ્યું છે. બંનેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો મંગાવનાર તરીકે રામ ઉર્ફે રામકો જીવાભાઈ મોઢવાડિયાનું નામ સામે આવ્યું હતું.
આ કેસમાં રામ મોઢવાડિયાનો ભાઈ કાના જીવાભાઈ મોઢવાડિયા, ઈરફાન કાસમ કાટેલીયા અને જિજ્ઞેશ ઉર્ફે જીગો વિનોદ ખિચડા સહિત અન્ય શખ્સોની સંડોવણી પણ સામે આવી છે. આ ઉપરાંત હરિયાણાના નૂહ વિસ્તારનો ટ્રકચાલક અસ્પાક અને રાજસ્થાનના ભરતપુર વિસ્તારનો ક્લીનર રાહુલ રઝાક સહિત અન્ય વાહનચાલકો વાહનો મૂકીને ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.
SMCએ દરોડા દરમિયાન રૂ.37.21 લાખની કિંમતની દારૂની 10,409 બોટલો, રૂ.20 લાખની કિંમતનો ટાટા કંપનીનો બંધ બોડી ટ્રક, રૂ.7-7 લાખની કિંમતનાં બે અશોક લેલન બડા દોસ્ત વાહનો, બે એક્સેસ ટુ-વ્હીલર, ચાર મોબાઇલ ફોન, રૂ.12,030 રોકડ અને પ્લાસ્ટિકના દાણાનાં 24 બોક્સ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્લાસ્ટિકના દાણાના બોક્સની કિંમત રૂ.65,24,113 હોવાનું જણાવાયું છે.
પ્રાથમિક તપાસમાં આરોપીઓએ પરસ્પર સંકલન કરીને આર્થિક લાભ મેળવવાના હેતુથી દારૂના કટીંગ અને વેચાણનું કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે. SMCએ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે દારૂનો જથ્થો કયા રાજ્યમાંથી લાવવામાં આવ્યો હતો, તેની પાછળ કોણ છે અને આ ગેરકાયદે ધંધામાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.










