દાહોદમાં વન્યજીવ જગતની એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદ દ્વારા સંસ્થાના સ્થાપના દિવસ 4 ઓક્ટોબરના રોજ દાહોદ વન વિભાગના સહયોગથી બે મોઢા ધરાવતા અત્યંત દુર્લભ વુલ્ફ સ્નેક (વરુદંતી સર્પ)નું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે દાહોદ અને સંભવિત રીતે સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના બે સ્વતંત્ર મોઢા ધરાવતા સાપનું રેસ્ક્યૂ પ્રથમ વખત નોંધાયું છે.
વુલ્ફ સ્નેક સામાન્ય રીતે બિનઝેરી પ્રજાતિનો સાપ છે અને મનુષ્યો માટે હાનિકારક નથી. તે ઘરો તથા માનવ વસાહતોની આસપાસ જોવા મળતી ગરોળી, જંતુઓ અને અન્ય નાના જીવોનો શિકાર કરે છે. કુદરતી પર્યાવરણનું સંતુલન જાળવવામાં અને જંતુઓની સંખ્યા નિયંત્રિત કરવામાં આ સાપ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
વન્યજીવ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જનીની વિકૃતિને કારણે કેટલાક જીવોમાં બે માથાં વિકસિત થાય છે. આ દુર્લભ કુદરતી સ્થિતિને વૈજ્ઞાનિક ભાષામાં ‘બાયસેફાલી’ કહેવામાં આવે છે. આવી ઘટના પ્રકૃતિમાં અત્યંત ઓછી જોવા મળે છે, જેના કારણે બે મોઢાવાળા સાપનું રેસ્ક્યૂ વન્યજીવ અભ્યાસની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આવા સાપમાં બંને માથાંની ચેતાતંત્રની કાર્યપ્રણાલી અલગ હોઈ શકે છે. પરિણામે ખોરાક મેળવવા, દિશા નક્કી કરવા અને આસપાસની હિલચાલને પ્રતિસાદ આપવા દરમિયાન બંને માથાં અલગ-અલગ રીતે વર્તી શકે છે. કેટલીક પરિસ્થિતિમાં શિકાર ગળતી વખતે બંને માથાં વચ્ચે સંકલનનો અભાવ અથવા સ્પર્ધા પણ જોવા મળી શકે છે. દાહોદમાં નોંધાયેલી આ ઘટના વન્યજીવ વૈવિધ્ય અને કુદરતની અદભુત રચનાનું અનોખું ઉદાહરણ છે.










