ભાવનગર: ભાવનગર-તળાજા હાઈવે પર ત્રાપજ ગામ નજીક વહેલી સવારે બોલેરો કાર અને ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. કાર આગળ જઈ રહેલા ટ્રેલર પાછળ ઘૂસી જતાં કારમાં સવાર 6 યુવાનનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ દુર્ઘટનાને પગલે મૃતકોના પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ટ્રેલર પાછળ બોલેરો ઘૂસી જતાં સર્જાઈ દુર્ઘટના
પ્રાથમિક વિગતો અનુસાર, બોલેરો કાર નંબર GJ-04-EP-2599માં સવાર યુવાનો ભાવનગરથી અલંગ ખાતે નોકરી પર જઈ રહ્યા હતા. દરમિયાન ત્રાપજ ગામ નજીક આગળ જઈ રહેલા ટ્રેલર નંબર RJ-31-GA-9871 સાથે બોલેરો કારની જોરદાર ટક્કર થઈ હતી. ટ્રેલરે અચાનક બ્રેક મારતાં પાછળ આવી રહેલી બોલેરો કારના ચાલકે કાબૂ ગુમાવ્યો હોવાની પ્રાથમિક માહિતી છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ બાદ સ્પષ્ટ થશે.
ટક્કર એટલી ભયાનક હતી કે બોલેરો કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં મદદ કરી હતી.
છ યુવાનનાં ઘટનાસ્થળે જ મોત, એકની હાલત ગંભીર
અકસ્મતમાં વિજયભાઈ, સાધુભાઈ, જીજ્ઞેશભાઈ, ભાર્ગવભાઈ, હિરેનભાઈ અને યોગેશભાઈનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે જયેશભાઈ નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને તળાજા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હોવાની માહિતી છે.
અલંગના પ્લોટમાં નોકરી કરતા કર્મચારીઓ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું
પ્રાથમિક તપાસ મુજબ, અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનો અલંગના પ્લોટ નંબર 137માં કામ કરતા કર્મચારીઓ હતા. મૃતકોમાં પ્લોટના મેનેજરનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે. રોજિંદા ક્રમ મુજબ નોકરી પર જઈ રહેલા યુવાનો સાથે બનેલી આ દુર્ઘટનાથી તેમના પરિવારોમાં ભારે આઘાત અને શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તળાજા પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે અને દુર્ઘટના કયા સંજોગોમાં સર્જાઈ તે જાણવા પ્રયાસો હાથ ધર્યા છે.










