PCBનો દરોડોઃ રૂ. 1.39 લાખના દારૂ સાથે બે શખ્સોની ધરપકડ, કાર સહિત રૂ. 6.39 લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ: રાજકોટ-ચોટીલા ધોરીમાર્ગ પર માલિયાસણ ગામ નજીક PCBની ટીમે દરોડો પાડી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. પોલીસની ટીમે સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની 528 બોટલ, જેની કિંમત રૂ. 1.39 લાખ થાય છે, તે કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ. 6.39 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવા પોલીસ કમિશનર બ્રજેશ કુમારે આપેલી સૂચનાના પગલે PCBના PI એમ.આર. ગોંડલિયાની રાહબરી હેઠળ PSI પી.બી. ત્રાજિયા, આર.કે. જાડેજા સહિતના સ્ટાફ દ્વારા શહેરના પ્રવેશદ્વારો નજીક વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
દરમિયાન, આજી નદીના કાંઠે આવેલા ચુનારાવાડ વિસ્તારમાં રહેતા સુનિલ કિશન સોલંકી અને દૂધસાગર રોડ નજીકના શિવાજીનગરમાં રહેતા સાગર ભરત મકવાણા કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને પસાર થવાના હોવાની બાતમી ASI મહિપાલસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણા અને કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજાને મળી હતી.
બાતમીના આધારે પોલીસની ટીમે બેડી ચોકડીથી માલિયાસણ ગામ તરફ જતા માર્ગ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતી સ્વીફ્ટ કારને અટકાવી તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની 528 બોટલ મળી આવી હતી. પોલીસે રૂ. 1.39 લાખની કિંમતનો દારૂ કબજે કરીને કારમાં સવાર સુનિલ સોલંકી અને સાગર મકવાણાની ધરપકડ કરી હતી.
પોલીસે બંને આરોપીઓ પાસેથી દારૂનો જથ્થો અને કાર સહિત કુલ રૂ. 6.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલે બંને આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે પણ પોલીસે તજવીજ હાથ ધરી છે.










