નેશનલ હાઈવે ઓથોરિટીની ચિંતન શિબિરમાં હાજરી આપવા એકતાનગર પહોંચ્યા કેન્દ્રીય મંત્રી; સરદાર પટેલના સ્મારકને દેશ માટે ગૌરવ સમાન ગણાવ્યું
એકતાનગર: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાના દર્શન કર્યા હતા અને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આયોજિત ચિંતન શિબિરમાં હાજરી આપવા એકતાનગર પહોંચેલા મંત્રીએ સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણમાં રહેલા યોગદાનને યાદ કરીને પ્રતિમાની ભવ્યતાની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે સંબંધિત વિભાગના અધિકારીઓ સહિત ઉદિત અગ્રવાલ, નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાકૃષ્ણ, અધિક કલેક્ટર ગોપાલ લામણિયા અને નાયબ કલેક્ટર નિરવ પારિતોષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિમાની મુલાકાત દરમિયાન સરદાર પટેલના જીવન, તેમના કાર્ય અને દેશની એકતા માટેના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.
સરદાર પટેલનું સ્મારક દેશ માટે ગૌરવની વાતઃ ગડકરી
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલના વ્યક્તિત્વ, કાર્ય અને કર્તવ્યને સ્મારકના સ્વરૂપમાં જે રીતે રજૂ કર્યું છે, તે સમગ્ર દેશવાસીઓ માટે ગૌરવ અને અભિમાનનો વિષય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર એક ભવ્ય પ્રતિમા નથી, પરંતુ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સરદાર પટેલના મહાન રાષ્ટ્રસેવાના વિચારોનું પ્રતીક પણ છે.
સરદાર વલ્લભભાઈ પટેલે દેશનાં વિવિધ રજવાડાંઓને એકત્રિત કરીને અખંડ ભારતના નિર્માણમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. તેમની આ રાષ્ટ્રનિર્માણની ભાવનાને જીવંત રાખતું સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કેન્દ્રીય મંત્રીની આ મુલાકાત દરમિયાન સરદાર પટેલના રાષ્ટ્રપ્રેમ, કર્તવ્યનિષ્ઠા અને એકતાના સંદેશને ફરી યાદ કરવામાં આવ્યો હતો.










